સુરેન્દ્રનગર, 3 મે 2026: Water arrangement for wildlife including ghudsar ઝાલાવાડમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને પાટડી સહિત રણ વિસ્તારામાં તો તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે રણ વિસ્તારમાં વસવાટ કરતા ઘૂંડસર સહિત વન્યજીવોની હાલત કફોડી બની છે. જોકે વન વિભાગે ઘૂડસર સહિત વન્યજીવોને પાણી મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરી છે. રણ વિસ્તારમાં આવેલા 40થી વધુ અવાડા અને પાણીની કુંડીઓ ટેન્કરો દ્વારા ભરવામાં આવી રહી છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં ઘૂડખર અભયારણ્ય કુલ 4,953.71 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેની સરહદો સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ એમ પાંચ જિલ્લાઓને સ્પર્શે છે. વહીવટી સરળતા માટે આ વિસ્તારને ચાર મુખ્ય રેન્જમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જનો સમાવેશ થાય છે. રણની વિષમ પરિસ્થિતિમાં ઘૂડખર ઉપરાંત નીલગાય જેવા સસ્તન પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓની તરસ છીપાવવા માટે વન વિભાગ દ્વારા નિયમિત અંતરે પાણીનું પરિવહન કરવામાં આવે છે. નોંધનીય છે કે ગુજરાત સરકારે 12 જાન્યુઆરી, 1973ના રોજ આ વિસ્તારને અભયારણ્ય જાહેર કર્યું હતું અને ત્યારબાદ 1978માં તેનો વિસ્તાર વધારીને વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક દાયકાઓમાં સંરક્ષણના પ્રયાસોને કારણે ઘૂડખરની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 1963માં માત્ર 362 ઘૂડખર બચ્યા હતા, જેની સંખ્યા 2024માં વધીને 7,672 પર પહોંચી ગઈ છે. ભીષણ ગરમીમાં વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વન વિભાગની આ કામગીરી પ્રશંસનીય સાબિત થઈ રહી છે.


