ભારત મધ્યસ્થી કરવા સક્ષમ: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ભારતના કૂટનીતિક કૌશલ્યના કર્યા વખાણ
નવી દિલ્હી, 15 મે 2026: ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે મીડિયા બ્રીફિંગ દરમિયાન વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી કૂટનીતિક ભૂમિકાની મુક્તકંઠે પ્રશંસા કરી છે. લવરોવે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલમાં પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે, પરંતુ જો ભવિષ્યમાં લાંબા ગાળાના અને કાયમી મધ્યસ્થીની જરૂર પડશે, તો તે ભૂમિકા ભારત ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે. રશિયાના મતે ભારત પાસે વ્યાપક કૂટનીતિક અનુભવ અને વૈશ્વિક સંવાદ સ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા છે.
બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન લવરોવે સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને રશિયા તેમની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડી બનાવવા પર કામ કરી રહ્યા છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના વેપાર અને રોકાણ પર ત્રીજા દેશોના ‘અમિત્ર દબાણ’ અને આર્થિક પ્રતિબંધોની અસરને ઘટાડવાનો છે. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા હવે આર્થિક એકીકરણ પર ભાર મૂકી રહ્યા છે.
રશિયાના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આ ચર્ચામાં મુખ્યત્વે વેપાર, અર્થતંત્ર અને રોકાણના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ કોરિડોર અને કનેક્ટિવિટી વધારવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ અને અન્ય આર્થિક પ્રતિબંધોના સંદર્ભમાં રશિયાનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. રશિયા અને ભારત હવે પશ્ચિમી દેશોના આર્થિક દબાણ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક એવું મિકેનિઝમ વિકસાવવા પર કામ કરી રહ્યા છે, જે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ સુરક્ષિત વેપાર સુનિશ્ચિત કરી શકે. લવરોવે અંતમાં જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેની ચર્ચા તે મુદ્દાઓ પર કેન્દ્રિત હતી જેના પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે અગાઉની શિખર બેઠકોમાં સહમતિ બની હતી.
આ પણ વાંચોઃ શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, 70 લાખની સોપારી અપાઈ હતી


