1. Home
  2. ગુજરાતી
  3. યુપીમાં રસ્તા પર નમાઝ બિલકુલ સહન નહીં કરાયઃ સીએમ યોગી
યુપીમાં રસ્તા પર નમાઝ બિલકુલ સહન નહીં કરાયઃ સીએમ યોગી

યુપીમાં રસ્તા પર નમાઝ બિલકુલ સહન નહીં કરાયઃ સીએમ યોગી

0
Social Share

લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર માર્ગોના ઉપયોગને લઈને ફરી એકવાર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ સ્પષ્ટ અને ધારદાર શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવાની પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે રસ્તાઓ સામાન્ય નાગરિકોની અવરજવર માટે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની પ્રાથમિકતા પહેલા સંવાદ અને પ્રેમથી સમજાવવાની છે, પરંતુ જો લોકો આ ભાષા નહીં સમજે તો તેમની સામે કાયદાકીય રીતે બીજો કડક રસ્તો અપનાવવામાં સરકાર સહેજ પણ ખચકાશે નહીં.

સોમવારે એક જાહેર મંચ પરથી મુખ્યમંત્રીએ રસ્તાઓ બ્લોક કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના આગવા આક્રમક અંદાજમાં સીએમ યોગીએ જણાવ્યું કે, “લોકો મને પૂછે છે કે શું તમારા યુપીમાં સાચે જ રસ્તાઓ પર નમાઝ નથી થતી? હું કહું છું કે બિલકુલ નથી થતી, તમે પોતે જઈને જોઈ લો. રસ્તાઓ ચાલવા માટે છે. કોઈ પણ વ્યક્તિ આવીને ચાર રસ્તા પર તમાશો બનાવશે તો તે કેવી રીતે ચલાવી લેવાય? કોઈને પણ રસ્તો રોકવાનો કે વાહનવ્યવહાર ખોરવવાનો કોઈ અધિકાર નથી.”

કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ એક કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે કેટલાક લોકોએ આવીને મને કહ્યું કે અમારી સંખ્યા વધારે છે, તો રસ્તા સિવાય ક્યાં જવું? ત્યારે મેં તેમને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો કે, જો સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં નમાઝ પઢો. જો તમારા ઘરમાં રહેવાની જગ્યા ન હોય તો વસ્તી પર નિયંત્રણ કરો. જો તમારે સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમ અને કાયદાનું પાલન કરવું જ પડશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, “અમે નમાઝ પઢવાની ના નથી પાડતા, જો જગ્યા ઓછી હોય તો તમે અલગ-અલગ શિફ્ટ ગોઠવો, અમે તેને રોકીશું નહીં. પરંતુ રસ્તા પર ક્યારેય મંજૂરી નહીં મળે. એક સામાન્ય નાગરિક, બીમાર વ્યક્તિ, નોકરિયાત કે વેપારી માટે અમે રસ્તાઓ બંધ થવા દઈ શકીએ નહીં. સરકારનો નિયમ સાર્વભૌમ છે અને સરકાર માટે દરેકે દરેક નાગરિક સમાન છે.”

આખી વ્યવસ્થાને કાયદાની સિસ્ટમ સાથે જ જોડવાનો પ્રયાસ

મુખ્યમંત્રીએ કાયદાના શાસનનો ભંગ કરનારા તત્વોને આડકતરી ચેતવણી આપતા કહ્યું કે, “સરકારનું કામ પહેલા સંવાદ સાધવાનું અને પ્રેમથી સમજાવવાનું છે, પરંતુ જો કોઈ આ ભાષા ન સમજે તો સરકાર પાસે બીજા રસ્તા પણ તૈયાર છે. પ્રેમથી માનશો તો સારી વાત છે, નહીં માનો તો અમે બીજો રસ્તો અપનાવીશું. જો તમે સંવાદથી નહીં માનો, તો સંઘર્ષથી પણ કામ શક્ય છે. બરેલીમાં કેટલાક લોકોએ તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે સરકારની તાકાત જોઈ લીધી છે. તેથી, સરકાર આખી વ્યવસ્થાને કાયદાની સિસ્ટમ સાથે જ જોડવા માંગે છે.” યોગી આદિત્યનાથના આ કડક નિવેદન બાદ રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રને પણ સડકો પર થતા કોઈપણ પ્રકારના દબાણ કે ધાર્મિક આયોજનો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code