1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હર્બલ સિગારેટ સામાન્ય સિગારેટ જેટલી જ કે તેનાથી વધુ નુકસાનકારક: IIT ગાંધીનગરનો દાવો
હર્બલ સિગારેટ સામાન્ય સિગારેટ જેટલી જ કે તેનાથી વધુ નુકસાનકારક: IIT ગાંધીનગરનો દાવો

હર્બલ સિગારેટ સામાન્ય સિગારેટ જેટલી જ કે તેનાથી વધુ નુકસાનકારક: IIT ગાંધીનગરનો દાવો

0
Social Share

ગાંધીનગર, 29 મે 2026: જો તમે એવું વિચારતા હોવ કે હર્બલ સિગારેટ કુદરતી, તમાકુ-મુક્ત અને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે, તો તમારે આ ભ્રમ તાત્કાલિક દૂરી દેવાની જરૂર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેઈન (UIUC) દ્વારા કરવામાં આવેલા એક નવા સંયુક્ત અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે હર્બલ સિગારેટમાંથી નીકળતો ધુમાડો સામાન્ય તમાકુ જેટલો જ અથવા તેનાથી પણ વધુ ઝેરી હોઈ શકે છે. આ સંશોધન પત્ર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ ‘જર્નલ ઓફ હેઝાર્ડસ મટિરિયલ્સ’ માં પ્રકાશિત થયું છે. આ પેપર આઈઆઈટી ગાંધીનગરના ડૉ. આલોક કુમાર ઠાકુર અને પ્રો. સમીર પટેલ તેમજ અમેરિકાની યુનિવર્સિટીના ડૉ. પી.એસ. ગણેશ સુબ્રમણ્યન અને પ્રો. વિશાલ વર્મા દ્વારા સહ-લેખિત કરવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં ભારતમાં સૌથી વધુ વેચાતી તમાકુની બે બ્રાન્ડ્સ અને તુલસી, લવિંગ, તજ, ફૂદીનો, ગ્રીન ટી, વોટર લિલી અને કેમોમાઈલ ધરાવતી ચાર લોકપ્રિય હર્બલ સિગારેટોના ઉત્સર્જન (ધુમાડા) ની સરખામણી કરવામાં આવી હતી. હર્બલ સિગારેટના ધુમાડામાં સબ-500-નૅનોમીટરના અતિ સૂક્ષ્મ કણો તમાકુના ધુમાડા કરતાં આશરે 20 ટકા વધુ સાંદ્રતામાં જોવા મળ્યા હતા. આ બારીક કણો ફેફસાંમાં ઊંડે સુધી પહોંચીને હૃદયરોગ અને શ્વસન સંબંધી ગંભીર રોગોનું કારણ બને છે.

  • ઓક્સિડેટીવ પોટેન્શિયલનું ઊંચું પ્રમાણ

પરીક્ષણ કરાયેલી હર્બલ સિગારેટોમાંથી બે બ્રાન્ડ્સમાં રેપર (વીંટાળવા) તરીકે ટીમરુના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે ભારતમાં બીડી બનાવવામાં વપરાય છે. આ પાંદડામાં વીંટાળેલી હર્બલ સિગારેટ સૌથી વધુ જોખમી સાબિત થઈ છે. એક લોકપ્રિય હર્બલ સિગારેટ, જેને ” 100 ટકા કુદરતી અને કેમિકલ-મુક્ત” કહીને વેચવામાં આવતી હતી અને જેમાં તુલસીનું મિશ્રણ હતું, તેમાં લેડ (સીસા) ની સાંદ્રતા સૌથી વધુ જોવા મળી હતી.

સંશોધકોએ ધુમાડાની ‘ઓક્સિડેટીવ પોટેન્શિયલ’ (OP) ક્ષમતા માપી હતી, જે શરીરમાં બળતરા, ફેફસાંની પેશીઓને નુકસાન અને હૃદયરોગ માટે જવાબદાર આક્રમક અણુઓ પેદા કરે છે. આઈઆઈટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર પટેલે જણાવ્યું હતું કે, “અમારા તારણો વ્યાપકપણે મનાતી એ માન્યતાને પડકારે છે કે તમાકુ-મુક્ત એટલે જોખમ-મુક્ત. હર્બલ સિગારેટમાંથી નીકળતું ઉત્સર્જન અમે માપેલા લગભગ દરેક માપદંડ પર તમાકુની સિગારેટ જેટલું જ અથવા તેનાથી વધુ છે. ટીમરુના પાંદડામાં વીંટાળેલા વેરિઅન્ટ્સ કાગળમાં વીંટાળેલા સંસ્કરણો કરતાં આશરે 49 ટકા વધુ ઓક્સિડેટીવ પોટેન્શિયલ દર્શાવે છે.”

  • ‘વેલનેસ’ માર્કેટિંગ પાછળ છુપાયેલું જોખમ અને નિયમનકારી ખામી

મુખ્ય લેખક ડૉ. આલોક કુમાર ઠાકુરે જણાવ્યું કે, બજારમાં કેટલીક હર્બલ સિગારેટોનું માર્કેટિંગ ઉધરસમાં રાહત, ઊંઘમાં સુધારો કે ચિંતા ઘટાડવાના દાવાઓ સાથે કરવામાં આવે છે, પરંતુ તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ અભ્યાસ ભારતમાં કાયદાકીય છટકબારીઓ તરફ પણ આંગળી ચીંધે છે. ભારતનો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, 2003 તમાકુ ઉત્પાદનો પર ચેતવણી લેબલ અને જાહેર ધૂમ્રપાનના નિયમો લાગુ કરે છે, પરંતુ હર્બલ કે તમાકુ-મુક્ત કહીને વેચાતા ઉત્પાદનો આ કાયદાકીય માળખાની બહાર રહી જાય છે, જેનો ફાયદો કંપનીઓ ઉઠાવી રહી છે.

દર વર્ષે 31 મેના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા મનાવવામાં આવતા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ની આ વર્ષની થીમ “અપીલને અનમાસ્ક કરવી: નિકોટિન અને તમાકુની લતનો સામનો કરવો” છે. આ સંદર્ભમાં આ અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આવી હર્બલ બ્રાન્ડ્સ હેલ્ધી હોવાના ખોટા દાવાઓ કરીને યુવાનો અને પ્રથમ વખત ધૂમ્રપાન કરનારાઓને આકર્ષિત કરી રહી છે. નિષ્ણાતોના મતે, બોક્સ પર શું લખ્યું છે તેના કરતાં તેના દહનથી પેદા થતો ધુમાડો શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે તે સમજવું અનિવાર્ય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code