Homeગુજરાતીકેરળમાં ચોમાસુ દસ્તક દેશે મોન્સૂન, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી

કેરળમાં ચોમાસુ દસ્તક દેશે મોન્સૂન, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી, 2 જૂન 2026: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને 4જૂન સુધીમાં તે કેરળ દરિયાકાંઠે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. આ દરમિયાન, હવામાન વિભાગે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં આવેલા 15 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વરસાદથી મળેલી આંશિક રાહત હવે પૂરી થવા જઈ રહી છે અને આગામી અઠવાડિયે કાળઝાળ ગરમી લોકોને પજવશે. જો કે કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે, પરંતુ એકંદરે તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળશે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, તમિલનાડુના નીલગિરી, કોઈમ્બતુર, થેની, તિરૂપુર, ડિંડીગુલ, તેનકાસી, તિરૂનેલવેલી, કન્યાકુમારી, ઇરોડ, નમક્કલ, સાલેમ, ધર્માપુરી, ક્રિષ્નાગિરી, તિરૂપુત્તુર, વેલ્લોર, તિરૂવન્નામલાઈ, રાનીપેટ અને મદુરાઈ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ 7 જૂન સુધી યથાવત રહી શકે છે. તેનાથી વિપરીત, રાજધાની ચેન્નઈ સહિત ઉત્તર તટીય તમિલનાડુમાં અતિશય ગરમી અને અસહ્ય ભેજને કારણે હવામાન અત્યંત કષ્ટદાયક બન્યું છે. ઊંચા તાપમાન અને ભેજના મિશ્રણને કારણે આ વિસ્તારમાં લૂ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના તાજા અહેવાલ મુજબ ચેન્નઈ સહિત કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે અને ઉત્તર તમિલનાડુમાં પારો હજુ 2 થી 3 ડિગ્રી વધી શકે છે.

  • પૂર્વત્તોર ભારતમાં 6 અને 7 જૂને ભારે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશમાં સોમવારે હવામાનનો મિજાજ બદલાયેલો રહ્યો હતો. ઘણા જિલ્લાઓમાં વાવાઝોડું અને વરસાદ પડતાં લોકોને ગરમીથી તાત્કાલિક રાહત મળી હતી. રાજધાની લખનૌ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે બુંદેલખંડના ઝાંસી, લલિતપુર અને આસપાસના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની અને વાવાઝોડું આવવાની શક્યતા છે, સાથે જ કેટલીક જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા પણ થઈ શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ કે વાવાઝોડું આવી શકે છે. પહાડી રાજ્યોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વત્તોર ભારતમાં 6 અને 7 જૂને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular