નવી દિલ્હી, 5 નવેમ્બર 2026: જાપાનમાં તાજેતરમાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે મુલાકાત લીધી હતી. આ અભિનંદન સમારોહમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પીએમ મોદીએ તમામ પેરા એથ્લીટ્સ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે લાંબી ચર્ચા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કેટલાક ખેલાડીઓને પોતાના હાથે મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠું કરાવ્યું હતું. પેરા એથ્લીટ નવીન કુમાર સાથે પણ પીએમ મોદીએ ખાસ વાતચીત કરી હતી.
મુલાકાત દરમિયાન કેટલાક ઉત્સાહી ખેલાડીઓએ વડાપ્રધાન પાસે ઓટોગ્રાફ લીધા હતા, તો વળી કેટલાકે પોતાના જીતેલા મેડલ્સ ગર્વપૂર્વક પીએમ સમક્ષ પ્રદર્શિત કર્યા હતા. ખેલાડીઓએ પોતાની રમતના સંઘર્ષ અને અનુભવો પણ વડાપ્રધાન સાથે વર્ણવ્યા હતા. પીએમ મોદીએ તમામ ખેલાડીઓની પીઠ થાબડીને તેમના અતૂટ મનોબળ અને સાહસની ભરપૂર પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનના આઇચી-નાગોયા ખાતે ગત મહિને યોજાયેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચતા અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ભારતના 97 પેરા ખેલાડીઓએ શાનદાર રમત દાખવીને કુલ 114 મેડલ દેશને અપાવ્યાં હતા. ભારતીય દળે આ મહાસમરાંગણમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું હતું.


