આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા
હેમંત પરમાર દ્વારા
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આંદોલનોની એક નવી જ પેટર્ન જોવા મળી રહી છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન એ જનતાનો અધિકાર છે, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલનો દેશહિત માટે નહીં, પણ ચોક્કસ રાજકીય ઇકોસિસ્ટમ અને વ્યક્તિગત સ્વાર્થ માટે પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ આંદોલનોની સૌથી મોટી કરૂણતા એ છે કે તેનો ભોગ દેશનો ભોળો અને ઉત્સાહી યુવાવર્ગ બને છે. ધૂર્ત તત્વો પોતાના કથિત એજન્ડા અને વૈભવી જીવનને સુરક્ષિત રાખવા માટે યુવાનોના મગજ સાથે રમે છે, જ્યારે આંદોલનની હિંસા અને કાયદાકીય ગૂંચવણોમાં સામાન્ય યુવાનોનું ભવિષ્ય કાયમ માટે રોળાઈ જાય છે.
લદ્દાખથી દિલ્હી સુધી, આંદોલનકારીઓની ડીલ અને યુવાનોનું જેલ કનેક્શન
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ લદ્દાખમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. વિદેશી તાકાતોના ઈશારે લદ્દાખને હિંસાની આગમાં હોમી દેવામાં આવ્યું, જેમાં ચાર નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યા અને ૭૦થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા. પરંતુ આ આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા સોનમ વાંગચુક આજે સત્તાવાળાઓ સાથે ડીલ કરીને સંપૂર્ણ આઝાદ છે અને પોતાની અમેરિકન પત્ની સાથે શાનદાર લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. બીજી તરફ, તેમના ભરોસે રસ્તા પર ઉતરેલા ૩૦૦થી વધુ સ્થાનિક યુવાનો આજે ગંભીર ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે અને કોર્ટ-કચેરીના ચક્કરમાં પીસાઈ રહ્યા છે.
આ જ પ્રકારનો ખેલ વર્ષ ૨૦૧૧માં દિલ્હીના રામલીલા મેદાનમાં પણ જોવા મળ્યો હતો. ૨૬ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ અન્ના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે તે વખતે મંચ પરથી યુવાનોને નોકરીઓ છોડીને આંદોલનમાં જોડાવા આહવાન કર્યું હતું. દેશભક્તિના જોશમાં આવીને દિલ્હી પોલીસના બે કોન્સ્ટેબલોએ સ્ટેજ પર જ રાજીનામા આપી દીધા. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને યાહૂ જેવી વૈશ્વિક મલ્ટીનેશનલ કંપનીઓમાં લાખોના પેકેજ છોડીને યુવાનો કેજરીવાલની પાછળ દોડ્યા. અમેરિકાની નોકરી છોડીને આવેલા એક યુવકે તો પોતાની પ્રખ્યાત બ્લુ વેગનઆર કાર પણ કેજરીવાલને ભેટ આપી દીધી હતી. પરંતુ સત્તા મળ્યા પછી તે યુવાનો ક્યાં ગયા અને તે વેગનઆર ક્યાં ગઈ, તેની કોઈને ખબર નથી.
સૌથી મોટો વિરોધાભાસ એ હતો કે જે કેજરીવાલે દેશના યુવાનોની નોકરીઓ છોડાવી, પણ તેમણે પોતાની પત્નીનું રાજીનામું ના અપાવ્યું. તેમના પત્ની સરકારી ફરજ બજાવતા રહ્યા અને નોકરી ત્યારે જ છોડી જ્યારે કેજરીવાલ પોતે મુખ્યમંત્રી બની ગયા. આજે એ નોકરીઓ છોડનારા યુવાનો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને રડી રહ્યા છે કે તેઓ રસ્તા પર આવી ગયા છે, જ્યારે આંદોલનના નેતાઓ એ જ રાજકીય કાદવમાં આળોટી રહ્યા છે જેનાથી દૂર રહેવાની તેઓ મોટી-મોટી વાતો કરતા હતા.
આંદોલનજીવીઓનો વિદેશી વૈભવ. યુવાનો રસ્તા પર, નેતાઓના સંતાનો લંડન-અમેરિકામાં સેટલ
ભારતના કથિત આંદોલનજીવીઓની પ્રોફાઈલ પર નજર કરીએ તો એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવે છે. દેશમાં ક્રાંતિની વાતો કરનારા આ નેતાઓના પોતાના પરિવારો અત્યંત આલીશાન અને સુરક્ષિત જીવન જીવી રહ્યા છે.
ભારતના કથિત આંદોલનજીવીઓ અને યુટ્યુબર્સ દેશના યુવાનોને ભડકાવીને પોતાનો સ્વાર્થ સાધતા હોવાના આક્ષેપો અવારનવાર થાય છે. યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને કપિલ સિબ્બલ જેવા નેતાઓના સંતાનો લંડન અને અમેરિકા જેવા વૈશ્વિક શહેરોમાં કરોડોની પ્રોપર્ટી સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા સ્ટાર ધ્રુવ રાઠી જર્મન મહિલા સાથે લગ્ન કરીને ત્યાં સ્થાયી થયા છે અને યુટ્યુબના પેઇડ પ્રમોશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ધ્રુવ રાઠી પોતે જર્મનીનો નાગરિક હોવા છતાં ત્યાંની મોંઘવારી કે ૬૦% યુવાનોના ગિગ વર્કર્સ તરીકે થતા શોષણ પર ક્યારેય વીડિયો બનાવતા નથી. જર્મનીમાં ઈંધણના ભાવ ત્રણ ગણા વધવા છતાં તેઓ ત્યાંની સરકારને સવાલ પૂછવાને બદલે માત્ર ભારતના યુવાનોને ભ્રમિત કરવાનું કામ કરે છે, જે તેમની બેવડી નીતિ દર્શાવે છે.
દેશને અસ્થિર કરવાનું મોટું રાજકીય ષડયંત્ર. નેપાળ, બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ?
આ આંદોલનો માત્ર સ્થાનિક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ ભારતને નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા જેવી અરાજકતા તરફ ધકેલવાની એક પદ્ધતિસરની યોજના હોવાની આશંકા છે. આખી ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની કડીઓ જોડવી જરૂરી છે.
એક તરફ અમેરિકામાંથી બહાર ફેંકાયેલો કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે ભારતમાં આવીને ૬ જૂને મોટું આંદોલન કરવાની જાહેરાત કરે છે, બીજી તરફ કેજરીવાલ દ્વારા યુવાનોને રસ્તા પર આવીને હિંસક બનવા ઉશ્કેરવા, અને ત્રીજી તરફ દેશના મોટા કોચિંગ માફિયાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરોક્ષ રીતે ભડકાવવા. આ બધું એક પૂર્વઆયોજિત સ્ક્રિપ્ટનો હિસ્સો લાગે છે. કોચિંગ માફિયાઓની અકળામણ પાછળ પણ મોટું કારણ છે. બિહારના પ્રખ્યાત ખાન સર (મૂળ નામ ફૈસલ ખાન) દ્વારા અચાનક મીડિયાને ટાર્ગેટ કરવાનું શરૂ કરાયું છે, જેથી મીડિયાની વિશ્વસનીયતા ખતમ કરી શકાય અને જનતા આ ઇકોસિસ્ટમની દરેક સાચી-ખોટી માંગણીઓ પર આંધળો વિશ્વાસ કરવા લાગે.
આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય હેતુ આગામી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ સહિતની આવનારી તમામ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો છે. આંદોલનોને લાંબા ખેંચીને રાજકીય લાભ ખાટવાની આ રમત નવી નથી. અગાઉ ખેડૂતોના નામે દિલ્હીના રસ્તાઓ વચેટિયાઓ, ખાલિસ્તાની તત્વો અને ડાબેરીઓએ હાઇજેક કર્યા હતા. યોગેન્દ્ર યાદવે પોતે સ્વીકાર્યું હતું કે તે સમયે અખિલેશ યાદવ માટે રાજકીય પિચ તૈયાર કરવામાં આવી રહી હતી, પરંતુ અખિલેશ રમી ન શક્યા. આ વખતે ફરી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાકેશ ટિકૈતનો કિસાન મોરચો સમાજવાદી પાર્ટીની રાજનીતિનો હિસ્સો બની જાય તો નવાઈ નહીં. ઉત્તરાખંડમાં કોંગ્રેસ, યુપીમાં સપા અને પંજાબમાં કેજરીવાલ પ્લસ કોચિંગ માફિયાઓ વચ્ચે ઇકોસિસ્ટમનો પ્રભાવ જાળવી રાખવા માટે અંદરખાને મોટી સોદાબાજી થઈ હોવાની ચર્ચા છે.
યુવાનો માટે ચેતવણીરૂપ લાલબત્તી, ભવિષ્ય બચાવો, પ્યાદા ન બનો
૬ જૂન પછી દેશમાં જો કોઈ લોહિયાળ રાજકીય હિંસા થશે, તો તેની જવાબદારી કોણ લેશે? આ કોઈ પેપર લીક કે વિદ્યાર્થીઓના હિતનો વિરોધ નથી, પરંતુ ચૂંટણી જીતવા માટે સ્તરવિહીનતાની તમામ હદો પાર કરવાનું રાજકીય કાવતરું છે. ભારતીય લોકશાહી ખૂબ જ પરિપક્વ છે, જનતાએ ૨૦૨૨માં પણ આવા ષડયંત્રોને નકાર્યા હતા અને ૨૦૨૭માં પણ નકારશે, અને આ તમામ દેશવિરોધી ચહેરાઓ ફરી એકવાર ખુલ્લા થશે.
પરંતુ આ લડાઈમાં સૌથી મોટું નુકસાન યુવાનો અને તેમના પરિવારોને થાય છે. મુકદ્દમાબાજી અને આર્થિક શોષણના કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે. આ આંદોલનજીવીઓ યુવાનોની બલી ચડાવીને પોતે કદાચ ધારાસભ્ય કે મંત્રી બની જશે, પરંતુ જે નિર્દોષ યુવાનો પર પોલીસ કેસ અને ક્રિમિનલ મુકદ્દમા લાગશે, તેમની મદદ કરવા આ ધૂર્ત નેતાઓ ક્યારેય પાછા વળીને પણ જોવા નહીં આવે. તેથી, દેશના યુવાનો માટે સમય આવી ગયો છે કે તેઓ આવા ખતરનાક અને ગંદકી ફેલાવતા તત્વોથી દૂર રહે, ભ્રમિત થવાનું બંધ કરે અને આઇપીસી ની કલમો હેઠળ આખી જિંદગી બરબાદ કરવાને બદલે પોતાના ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે. સરકાર અને સુરક્ષા એજન્સીઓએ પણ સમયસર સક્રિય થઈને દેશને અસ્થિર કરતી આ આખી ઇકોસિસ્ટમને તાત્કાલિક તોડી પાડવા માટે અનિવાર્ય બની ગઈ છે.


