1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટક કોંગ્રેસમાં ભડકો: જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું
કર્ણાટક કોંગ્રેસમાં ભડકો: જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું

કર્ણાટક કોંગ્રેસમાં ભડકો: જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું

0
Social Share

બેંગલુરુ, 5 જૂન 2026: કર્ણાટકમાં નવી સરકારના મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી થતાંની સાથે જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યના નવ નિયુક્ત જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, સીએમ બેંગલુરુ શહેરી ક્ષેત્ર સાથે જોડાયેલા ખાતાની ફાળવણી અંગે આપેલા પોતાના વચનથી ફરી ગયા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી પદ સંભાળનારા ડી.કે. શિવકુમાર માટે આ ઘટનાને બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ખાતાઓની વહેંચણીના ગણતરીના કલાકોમાં જ આ આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.

મુખ્યમંત્રીને મોકલેલા પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ લખ્યું છે કે, “મને તમારા મંત્રીમંડળમાં મંત્રી પદની જવાબદારી સોંપવા બદલ હું આપનો અને કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. પરંતુ હું મારી અંતરાત્માની વિરુદ્ધ જઈને કામ કરવા અસમર્થ છું, તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો. હું ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષની સેવા કરતો રહીશ.” બેંગલુરુના કોરમંગલા સ્થિત પોતાની ઓફિસથી પત્રકારો સાથે વાતચીત કરતા રેડ્ડીએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2023માં પણ તેમને પહેલા બેંગલુરુ વિકાસ વિભાગ આપવાની વાત કહેવાઈ હતી, પરંતુ બાદમાં પરિવહન મંત્રાલય સોંપી દેવાયું હતું. તે સમયે નારાજગી વ્યક્ત કરવા પર તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય વરિષ્ઠ નેતાઓએ મધ્યસ્થી કરી હતી.

  • વચનભંગનો ગંભીર આરોપ

રેડ્ડીએ દાવો કર્યો કે, “આ વર્તમાન સરકારની રચના સમયે મને ખાતરી આપવામાં આવી હતી કે અઢી વર્ષ પછી બેંગલુરુ શહેરી ક્ષેત્ર સાથે જોડાયેલો વિભાગ મને સોંપવામાં આવશે. આ જ આશ્વાસન પર હું રાજી થયો હતો. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને તેમના ભાઈ ડી.કે. સુરેશે વ્યક્તિગત રીતે મારા નિવાસસ્થાને આવીને મને ભરોસો આપ્યો હતો કે આ વચન પૂરું કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે વારંવાર ખાતરી આપવા છતાં છેલ્લી ઘડીએ તેમને બેંગલુરુ અર્બન વિભાગ આપવાને બદલે જળ સંસાધન મંત્રાલય પધરાવી દેવાયું, જેના કારણે તેમણે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ધારાસભ્ય પદે ચાલુ રહેશે અને કોંગ્રેસ છોડશે નહીં.

  • 5 દાયકાની રાજકીય સફર અને બહોળો અનુભવ

કોંગ્રેસના દિગ્ગજ નેતા રામલિંગા રેડ્ડીએ જણાવ્યું કે તેમની રાજકીય સફર વર્ષ 1973માં NSUIના એક વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈ હતી. તેઓ છેલ્લા 53 વર્ષથી કોંગ્રેસ પક્ષની સેવા કરી રહ્યા છે. તેઓ 9 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે અને બેંગલુરુના જયા નગર તેમજ BTM લેઆઉટ સહિતના વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પોતાના બહોળા વહીવટી અનુભવનો ઉલ્લેખ કરતા રેડ્ડીએ કહ્યું કે, તેમણે ભૂતકાળમાં વીરપ્પા મોઈલી, એસ.એમ. કૃષ્ણા, ધર્મ સિંહ અને સિદ્ધારમૈયા જેવા દિગ્ગજ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં મંત્રી તરીકે સફળતાપૂર્વક કામ કર્યું છે અને ક્યારેય કોઈ મુખ્યમંત્રી પાસે સામેથી ખાસ ખાતાની માગણી કરી નથી.

  • કાર્યકરોની વિનંતી ફગાવી, હસ્તક્ષેપ કરવાની ના પાડી

રામલિંગા રેડ્ડી જ્યારે પક્ષના કાર્યકરોની હાજરીમાં રાજીનામાના પત્ર પર સહી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક સમર્થકોએ તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. કાર્યકરોએ જણાવ્યું કે કેપીસીસીના વરિષ્ઠ નેતા બી.કે. હરિપ્રસાદ આ મુદ્દે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, રેડ્ડીએ આના પર તીખી પ્રતિક્રિયા આપતા નેતાઓને આ મામલામાં હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું હતું અને રાજીનામાની પ્રક્રિયા આગળ વધારી દીધી હતી. કર્ણાટક કોંગ્રેસ શાસનમાં શરૂ થયેલો આ આંતરિક વિખવાદ આગામી દિવસોમાં હજુ વધુ વકરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code