Homeગુજરાતીગુજરાતઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે મેરેજ સર્ટી વર-કન્યાના ફોટા સાથે અપાશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે મેરેજ સર્ટી વર-કન્યાના ફોટા સાથે અપાશે

અમદાવાદ, 4 ઓગસ્ટ 2026: AMC to issue marriage certificates featuring photographs of the bride and groom મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ તા. 1 ઓગસ્ટ, 2026થી લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના અમલથી હવે અરજદારો ઘરે બેઠા જ અરજી કરી શકશે તેમજ વર-કન્યાના ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરીને ઘેરબેઠા જ મેળવી શકશે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરીજનોને મેરેજ સર્ટીફિકેટ લેવા માટે હવે ઓનલાઈન  નોંધણીની સિસ્ટમથી ઘેરબેઠા જ મેરેજ સર્ટીફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અરજદારોને QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે. નવી સિસ્ટમ હેઠળ અરજદારે સૌથી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ ([http://www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in)) પર જઈને નવા મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. નવા અરજદારે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી નોંધણી કરવાની રહેશે, જેનો ઉપયોગ ભવિષ્યમાં લોગિન કરવા માટે કરી શકાશે. અગાઉથી એકાઉન્ટ ધરાવતા નાગરિકો પોતાના જૂના ક્રેડિશિયલ્સથી જ સીધા લોગિન થઈ શકશે. લોગિન કર્યા બાદ અરજદારે લગ્નનું સ્થળ, સંબંધિત વોર્ડ અને ઝોનની વિગતો દાખલ કરવાની રહેશે. આ ઉપરાંત, વર અને કન્યા પક્ષે લગ્નની કંકોત્રી અને લગ્નના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. સાથે જ વર-કન્યા, સાક્ષીઓ તેમજ લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીની તમામ જરૂરી માહિતી અને ઓળખના દસ્તાવેજો પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

અરજી સબમિટ થયા બાદ બે તબક્કામાં તેની ઓનલાઈન ચકાસણી થશે. પ્રથમ તબક્કામાં સબ-રજિસ્ટ્રાર દ્વારા તમામ અપલોડ કરેલા દસ્તાવેજો અને વિગતોની ચકાસણી કરવામાં આવશે. જો બધું યોગ્ય જણાશે તો અરજી રજિસ્ટ્રાર તરફ ફોરવર્ડ કરાશે. ત્યારબાદ રજિસ્ટ્રાર ચેકલિસ્ટ મુજબ અંતિમ ચકાસણી કરીને અરજી મંજૂર કરવાનો નિર્ણય લેશે.

અરજી મંજૂર થઈ ગયા બાદ અરજદાર પોતાની અનુકૂળતા મુજબ રૂબરૂ મુલાકાત માટે તારીખ અને સમયનો સ્લોટ ઓનલાઈન બુક કરી શકશે. સ્લોટ બુક થયા બાદ પોર્ટલમાંથી મેમોરેન્ડમની પ્રિન્ટ કાઢીને તેની બંને નકલ પર રૂ. 100-100ના એગ્રીમેન્ટ સ્ટેમ્પ ટિકિટ લગાવવાના રહેશે. નિયત તારીખે વર-કન્યાએ પોતાના મૂળ દસ્તાવેજો સાથે સબ-રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂ હાજર રહીને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રૂબરૂ ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નિયત કાયદા મુજબની લગ્ન નોંધણી ફી (લગ્ન થયાના 1 માસ સુધી રૂ. 5, 3 માસ સુધી રૂ. 15 અને 3 માસથી વધુ સમય માટે રૂ. 25) ચૂકવવાની રહેશે. ત્યારબાદ અરજદારે જે ભાષામાં અરજી કરી હશે તે જ ભાષામાં વર અને કન્યાના ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવશે, જેને પોર્ટલ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

સંબંધિત લેખો

Most Popular