કાનપુર, 27 ઓગસ્ટ 2026: ગ્વાલટોલી પોલીસ સ્ટેશન વિસ્તારના નટ્ઠા પુરવા વિસ્તારમાં સવારે ચાર સીટવાળું તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાઇલટના મોત થયા હતા.
આ ઘટનાના સમાચારથી પોલીસ અને વહીવટી અધિકારીઓમાં હલચલ મચી ગઈ હતી. પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળની તપાસ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, વિમાને સવારે લગભગ 11:20 વાગ્યે કાનપુર કેન્ટ વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. તે ચાર સીટવાળું વિમાન હોવાનું અને તાલીમ ઉડાન પર હોવાનું જણાવાયું છે.
ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ, વિમાન નથ્થા પુરવા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું. વિમાન જમીન સાથે અથડાતાં જોરદાર અવાજ સંભળાયો અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકત્ર થઈ ગયું.
કર્ણાટક અને ગુજરાતના હતા બંને પાઇલટ્સ
અકસ્માતમાં જીવ ગુમાવનારા પાઇલટ્સની ઓળખ કર્ણાટકના અભિષેક પૂજારી અને ગુજરાતના સુમિત ભાટિયા તરીકે કરવામાં આવી છે. અહેવાલ મુજબ, બંનેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પોલીસે અકસ્માત સ્થળને ઘેરી લીધું હતું અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતના કારણોની તપાસ ચાલું
આ વિમાન ‘ટેકનમ’ (Tecnam) કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી; સંભવિત તકનીકી ખામીઓ, હવામાનની સ્થિતિ અથવા અન્ય પરિબળો અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ પોલીસ, વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
અધિકારીઓએ વિમાનના કાટમાળને સુરક્ષિત કર્યો છે અને તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. અકસ્માતના વાસ્તવિક કારણો વિગતવાર તપાસ બાદ જ નક્કી કરવામાં આવશે.
વધુ વાંચો: જમ્મુ-કાશ્મીરના પુંછમાં વાન ઊંડી ખીણમાં ખાબકી, 6નાં મોત અને 3ની હાલત ગંભીર


