કાઠમંડુ, 30 ઓગસ્ટ 2026: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ, ભોટે કોશી નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. પાણીના પ્રવાહમાં થયેલો અચાનક વધારો અને પાણીના જોરદાર ગર્જનાભર્યા અવાજને ધ્યાનમાં રાખીને, ‘નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી’ (NDRRMA) એ રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
ભોટે કોશી નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને રાહત ટીમોને અત્યંત સાવચેતી રાખવા તથા સતર્ક રહેવાની સલાહ આપી છે.
વહીવટીતંત્ર એલર્ટ મોડ પર
રસુવા અને નેપાળ-ચીન સરહદ નજીક નદીના કિનારે વસતા સમુદાયોને જળસ્તર પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે, નુવાકોટ અને ધાડિંગમાં નદીના તટપ્રદેશો નજીક કટોકટી સેવાઓ અને સ્થાનિક વહીવટી ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
સાવચેતી રાખવાની અપીલ
સોશિયલ મીડિયા પર માહિતી આપતા NDRRMA નેપાળે જણાવ્યું હતું કે, “રસુવા જિલ્લા વહીવટી તંત્રને ભોટે કોશી નદીના જળસ્તરમાં વધારો થવા અને પાણીના જોરદાર પ્રવાહનો અવાજ સંભળાવા અંગેના અહેવાલો મળ્યા છે. આથી, રસુવા, નુવાકોટ અને ધાદિંગના નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી મળતાં જ અમે આગળની વિગતો જાહેર કરીશું.”
નીચાણવાળા એવા ત્રણ મુખ્ય જિલ્લાઓ માટે આ નવી ચેતવણી જારી કરવામાં આવી છે, જેઓ ૨૬ ઓગસ્ટના રોજ આવેલા અચાનક પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
મૃત્યુઆંક વધીને 675 થયો
ભોટે કોશી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે; મૃત્યુઆંક વધીને 675 થયો છે અને 2,418 લોકો ગુમ છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોમાં 287 ભારતીય નાગરિકો અને 128 ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs)નો પણ સમાવેશ થાય છે.
રાહત અને બચાવ કામગીરી દરમિયાન, રસુવા સ્થિત એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી ચાર ભારતીયો (રિપુ કુમાર, ચણેશ્વર નર્ઝરી, કૃપા શંકર અને મોહમ્મદ મિનહાજુદ્દીન) ને સુરક્ષિત રીતે બહાર કાઢીને કાઠમંડુ લાવવામાં આવ્યા છે, જેનાથી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લેવાયેલા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા 88 થઈ ગઈ છે.
વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો


