નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: મુસ્લિમ જગતના અત્યંત પવિત્ર શહેર મક્કા નજીક યમન સ્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા ડ્રોન મોકલવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારત સરકારે આ ઘટના પર ભારે ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ હૂતી વિદ્રોહીઓ પર પવિત્ર શહેરને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ કાયરતાપૂર્ણ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે વિશ્વભરના કરોડો મુસ્લિમો માટે મક્કાનું વિશેષ ધાર્મિક અને વૈશ્વિક મહત્વ છે, તેથી આવી ઘટનાઓ અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાના પ્રયાસથી ભારે ચિંતિત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સાઉદી અરેબિયાના સાર્વભૌમ ક્ષેત્ર પર થતા કોઈપણ હુમલાની ભારત સખત શબ્દોમાં નિંદા કરે છે. ભારતે સ્પષ્ટ આકરા શબ્દોમાં ટાંક્યું છે કે સામાન્ય નાગરિકોના જીવ અને મહત્વપૂર્ણ પાયાના માળખાને ખતરામાં મૂકતી કોઈપણ સૈન્ય કાર્યવાહી ક્યારેય અસ્વીકાર્ય હોઈ શકે નહીં.
સાઉદી અરેબિયાના સત્તાવાર દાવા મુજબ, યમનમાં સક્રિય હૂતી વિદ્રોહીઓએ મક્કા શહેર તરફ વિસ્ફોટક ડ્રોન મોકલ્યું હતું. જોકે, ભારતે હુમલાની જવાબદારી અંગે પોતાની તરફથી કોઈ અલગ દાવો કર્યો નથી, પરંતુ સાઉદી અરેબિયાની પ્રાદેશિક અખંડિતતા અને નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ભારતે મક્કાના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે.
- શાંતિ અને સ્થિરતા બહાલ કરવા ભારતની અપીલ
પોતાના સત્તાવાર નિવેદનમાં ભારતે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ટૂંક સમયમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત આ વિસ્તારમાં ઝડપથી સ્થિતિ સામાન્ય થાય તેવું ઈચ્છે છે.


