Homeગુજરાતીખોરાકબાળકોના સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન: ક્રિસ્પી અને હેલ્ધી ફ્રેન્ચ ફ્રાઈઝ

બાળકોના સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન: ક્રિસ્પી અને હેલ્ધી ફ્રેન્ચ ફ્રાઈઝ

બાળકોને રોજ સાંજે નાસ્તામાં શું આપવું તે દરેક ગૃહિણી માટે એક મોટો અને મૂંઝવતો પ્રશ્ન હોય છે. શાળાએથી પાછા ફર્યા પછી બાળકો માટે કંઈક એવું બનાવવું પડે છે જે માત્ર ટેસ્ટી જ નહીં, પણ તેમનું પેટ અને મન બંને ભરી દે. મોટાભાગે બાળકો બહારના ફાસ્ટ ફૂડ અને ક્રિસ્પી નાસ્તાની માંગણી કરતા હોય છે, પરંતુ મેંદો અને અનહેલ્ધી સામગ્રી તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ બાળકોની હેલ્થ સાથે સમાધાન કર્યા વગર તેમને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપવા માંગો છો, તો મેંદા કે કોર્નફ્લોરના ઉપયોગ વગર ઘરે જ બનાવી શકો છો સુપર ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ. ચોખાના લોટનો આસાન ટ્વિસ્ટ આપીને બનાવવામાં આવતી આ ફ્રેન્ચ ફ્રાઈઝ બહારથી એકદમ કડક અને અંદરથી સોફ્ટ બને છે. જાણો આ હેલ્ધી અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની આસાન રીત:

  • જરૂરી સામગ્રી:

બટાટા: 3-4 નંગ (મોટા કદના)
ચોખાનો લોટ: 2 મોટી ચમચી
મીઠું/સિંધાલૂણ: સ્વાદાનુસાર
મરી પાવડર: 1/2 નાની ચમચી
ચાટ મસાલો: 1/2 નાની ચમચી
તેલ: તળવા માટે જરૂર મુજબ

બનાવવાની સરળ રીત:

સૌપ્રથમ બટાટાની છાલ ઉતારી લો. ત્યારબાદ તેને ફ્રેન્ચ ફ્રાઈઝની જેમ લાંબી અને એકસરખી પટ્ટીઓમાં કાપી લો. કાપેલા બટાટાની પટ્ટીઓને 2 થી 3 વાર ઠંડા પાણીથી બરાબર ધોઈ લો, જેથી તેનો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં થોડું મીઠું ઉમેરો. પાણી બરાબર ઊકળે એટલે કાપેલા બટાટા તેમાં ઉમેરી માત્ર 3 થી 4 મિનિટ માટે (લગભગ 40% થી 50% સુધી) જ બાફવાના છે. ત્યારબાદ તેને પાણીમાંથી નિતારી લો અને એક સ્વચ્છ સુતરાઉ કાપડ પર પાથરીને સંપૂર્ણપણે સૂકવી લો.

બટાટા એકદમ કોરા થઈ જાય એટલે તેને બાઉલમાં લો. તેની ઉપર ચોખાનો લોટ, મીઠું અને મરી પાવડર ભભરાવીને હળવા હાથે મિક્સ કરો. ચોખાના લોટનું એક પાતળું પડ બટાટા પર ચડી જશે, જે મેંદા વગર પણ ફ્રાઈઝને અદ્ભુત ક્રંચી બનાવશે. કડાઈમાં તેલ ગરમ કરો. પ્રથમ તબક્કામાં બટાટાને મધ્યમ આંચ પર 2 થી 3 મિનિટ માટે હાફ-ફ્રાય કરી લો (રંગ બદલાવો ન જોઈએ). ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી 10 મિનિટ ઠંડા થવા દો. હવે તેલને એકદમ તેજ ગરમ કરી, ફ્રાઈઝને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફૂલ આંચ પર 1 થી 2 મિનિટ માટે ફરી તળી લો.

પીરસવાની રીત:

તૈયાર ગરમાગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ પર ઉપરથી ચાટ મસાલો અને સહેજ સંચળ ભભરાવીને હોમમેડ ટોમેટો કેચપ સાથે બાળકોને સર્વ કરો. ઘરે જ શુદ્ધ તેલમાં બનેલી આ હોમમેડ ફ્રેન્ચ ફ્રાઈઝ સ્વાદિષ્ટ હોવાની સાથે બાળકોના સ્વાસ્થ્ય માટે પણ એકદમ સલામત છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular