નવી દિલ્હી, 10 ઓક્ટોબર 2026: સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત આરબ અમીરાત ભારત માટે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો સૌથી મોટો સપ્લાયર બનીને ઉભર્યું છે. ભારતના કુલ એલપીજી આયાતમાં યુએઈની હિસ્સેદારી વધીને 39 ટકા થઈ ગઈ છે, જ્યારે અગાઉના ઓગસ્ટ મહિનામાં આ પ્રમાણ માત્ર 13 ટકા હતું. આ સાથે જ યુએઈએ અમેરિકાને પાછળ છોડી દીધું છે, જે છેલ્લા 6 મહિનાથી ભારતને એલપીજી સપ્લાય કરવામાં મોખરે હતું. ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુએઈએ 5,47,000 ટન એલપીજીની સપ્લાય કરી છે, જે ઓગસ્ટના 1,93,000 ટનના મુકાબલે 182 ટકાનો જંગી વધારો દર્શાવે છે.
બીજી તરફ, અમેરિકા ભારત માટે બીજો સૌથી મોટો એલપીજી સપ્લાયર રહ્યો છે, જોકે ઓગસ્ટની સરખામણીમાં તેની શિપમેન્ટ 58% ઘટીને 3,23,000 ટન રહી ગઈ છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં ભારતના કુલ એલપીજી આયાતમાં અમેરિકાની હિસ્સેદારી 53 ટકા હતી, જે સપ્ટેમ્બરમાં ઘટીને 23 ટકા પર આવી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના અંત ભાગમાં અમેરિકા-ઈરાન તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધોને પગલે ખાડી દેશોમાંથી થતી આયાત પ્રભાવિત થઈ હતી, જેના કારણે અમેરિકા ભારતને એલપીજી પૂરો પાડનાર મુખ્ય સ્રોત બન્યો હતો. હવે ફરી એકવાર ખાડી દેશોમાંથી સપ્લાય સામાન્ય અને વેગવંતી બની રહી છે.
અહેવાલ મુજબ, ફિઝિકલ માર્કેટે અપેક્ષા કરતા વધુ મજબૂતાઈ દર્શાવી છે. ખાડી ક્ષેત્ર (ઈરાન સિવાય) માંથી નિકળતા ક્રૂડની કુલ માત્રા અને સાઉદી અરેબિયાના પશ્ચિમ કિનારા તથા યુએઈના પૂર્વ કિનારાથી આવતી માત્રા ભેગી મળીને સંઘર્ષ પહેલાના સ્તરની આસપાસ પહોંચી ગઈ છે. ભારત તેની એલપીજી જરૂરિયાતોનો 60 ટકા હિસ્સો આયાત કરે છે, જેમાંથી 90 ટકા જથ્થો હોર્મુઝના રસ્તે ખાડી દેશોમાંથી આવે છે. સપ્ટેમ્બરમાં કુવેત અને કતરથી પણ એલપીજીની આયાતમાં સારો એવો વધારો નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં કુવેત 1.32 લાખ ટન સાથે ત્રીજો સૌથી મોટો સપ્લાયર બન્યો છે, જ્યારે કતરએ 1,15,340 ટન એલપીજી મોકલીને ચોથું સ્થાન જાળવ્યું છે (ઓગસ્ટના સ્તરથી 76 ટકા વધુ). જોકે, આ મહિને દેશે સાઉદી અરેબિયામાંથી કોઈ એલપીજી આયાત કરી નથી. સપ્ટેમ્બરમાં ભારતની કુલ એલપીજી આયાત પાછલા મહિનાની તુલનામાં 4 ટકા ઘટીને 1.39 મિલિયન ટન રહી હતી. આ સમયગાળા દરમિયાન અન્ય સપ્લાયર દેશોમાં ઈરાન (89,000 ટન), ઓમાન (23,000 ટન), રિપ્લીક ઓફ કાર્ગો (23,000 ટન), બર્ની (4,000 ટન) અને અલગેરિયા (24,000 ટન) પણ સામેલ હતા.
ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ ભારતની અલગ-અલગ સ્રોતોમાંથી સપ્લાય મેળવવાની રણનીતિ આગળ પણ ચાલુ રહેશે. રિફાઇનર્સ ખાડી ક્ષેત્ર ઉપરાંત અન્ય વૈકલ્પિક સ્થળોએથી પણ સપ્લાય જાળવી રાખવા પ્રયાસો કરશે.


