નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ થતા માલની આયાત પર ભારતના પ્રતિબંધને બાયપાસ કરવાની એક મોટી યોજનાનો પર્દાફાશ કર્યો છે. “ઓપરેશન ડીપ મેનિફેસ્ટ” હેઠળ DRIએ પાકિસ્તાન મૂળના ઔદ્યોગિક/હિમાલયન રોક સિંધવ મીઠાંના 7,311 મેટ્રિક ટન જથ્થા સાથેના 295 કન્ટેનરની આયાત પકડી પાડી છે, જેનું અંદાજિત બજાર મૂલ્ય અંદાજે રૂ. 30 કરોડ જેટલું થાય છે. આ કન્સાઈનમેન્ટ્સ શ્રીલંકાના કોલંબો પોર્ટ દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા અને યુએઈ સ્થિત સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા નકલી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને ઇનવોઇસનો ઉપયોગ કરીને તેમના મૂળ સ્થાનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.
દેશભરમાં દરોડા અને ટ્રાન્સનેશનલ નેટવર્કનો પર્દાફાશ ચોક્કસ બાતમીના આધારે DRIએ 26 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2026 દરમિયાન પંદર દિવસ લાંબું સંકલિત ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન ગાંધીધામ, આદિપુર, વેરાવળ, પાણીપત, પુણે, પટિયાલા, દિલ્હી અને મુંબઈમાં આવેલા વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે નવ આયાતકારોએ પ્રતિબંધનો ભંગ કરીને માર્ચ 2026 થી મુન્દ્રા અને કંડલા બંદરો દ્વારા આ 295 કન્ટેનર દેશમાં લાવ્યા હતા. કંડલા બંદર પરથી પાંચ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે તેમજ આયાતકારોના બેંક ખાતામાંથી રૂ. 20.96 લાખની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
આ સમગ્ર નેટવર્કમાં પાકિસ્તાની, યુએઈ, શ્રીલંકન અને ભારતીય નાગરિકો સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ આયાતકાર પેઢીઓના બે માલિકો સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ગત મહિને નાસિક ખાતે પણ મુંબઈની એક ફર્મ દ્વારા આયાત કરાયેલા 3,62,000 કિલોથી વધુ સૂકા ખજૂરના કન્ટેનર DRI દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 માં પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકારે ડીજીએફટીના નોટિફિકેશન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં પાકિસ્તાનમાં ઉત્પાદિત કે ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.


