Homeગુજરાતીદેશ-વિદેશયુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર છીએ, પરંતુ અમારા સૈન્ય લક્ષ્યો જરૂર હાંસલ...

યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર છીએ, પરંતુ અમારા સૈન્ય લક્ષ્યો જરૂર હાંસલ કરીશું: પુતિન

મોસ્કો, 23 ઓક્ટોબર 2026: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા અને તેનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. જો કે, તેમણે સાથેસાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રશિયા પોતાના તમામ સૈન્ય લક્ષ્યો કોઈપણ ભોગે હાંસલ કરીને જ રહેશે. તાજેતરમાં જ પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે મોસ્કોમાં યુક્રેન સાથેના સંભવિત શાંતિ સમજુતી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુદ્દે રશિયન પત્રકાર પાવેલ જારુબિન સાથે વાતચીત કરતા પુતિને ઉમેર્યું હતું કે રશિયા અમેરિકા સાથે યુક્રેન મુદ્દે ત્રિપક્ષીય વાતચીત કરવા માટે પણ તૈયાર છે.

પુતિને કહ્યું હતું કે, “મને લાગે છે કે આપણે કોઈ નક્કર સમજુતી પર પહોંચી શકીએ છીએ, પરંતુ જો કોઈ અલગ રીતે આગળ વધવા માંગતું હોય તો અમે તેના માટે પણ તૈયાર છીએ. કોઈપણ સંજોગોમાં અમે અમારા સૈન્ય લક્ષ્યો પાર પાડીશું જ.” તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “અમેરિકી પ્રતિનિધિ સાથેની અમારી વાતચીતમાં ત્રિપક્ષીય ચર્ચા માટે પણ સહમતિ દર્શાવી છે. આ સમજુતીનો મૂળ ઉદ્દેશ્ય માત્ર થોડા સમય માટે લડાઈ રોકવાનો નહીં, પરંતુ રશિયા અને યુક્રેન બંનેની સુરક્ષા કાયમી ધોરણે સુનિશ્ચિત કરવાનો છે. અમે આ વિષય પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

  • યુદ્ધ લડવું હોય તો રશિયા તેના માટે પણ તૈયાર

યુક્રેન સાથેના ભૂતકાળના સંબંધો અને સંઘર્ષોને યાદ કરતા પુતિને કહ્યું કે, “અમે શરૂઆતથી જ શાંતિપૂર્ણ ઉકેલના પક્ષમાં રહ્યા છીએ. વર્ષ 2014 માં પણ અમે આ અંગે વાતચીત કરી હતી, પરંતુ સામે પક્ષે સામાન્ય નાગરિકો વિરુદ્ધ બંદૂકો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને લગભગ યુદ્ધ છેડી દેવામાં આવ્યું. ત્યારબાદ મિન્સ્ક સમજુતી થઈ અને ડોનબાસમાં કાર્યવાહી શરૂ કરતા પહેલા પણ અમે વાતચીતની પહેલ કરી હતી, પરંતુ યુક્રેને એવું કહ્યું કે ‘અમે લડીશું’—તો ઠીક છે.”

રશિયાના રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે અમેરિકી પ્રતિનિધિ સાથેની બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો આપણે યુક્રેન અને રશિયાની ભાવિ સુરક્ષા ગેરંટી પર ચર્ચા કરવી હોય, તો યુરોપિયન સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવી પડશે અને રશિયા આ વાત સાથે સહમત છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તે હવે જોવાનું રહ્યું.

  • રશિયા અને યુક્રેનના લોકો એક જ છે

આ અટપટા અને જટિલ મુદ્દા પર બોલતા પુતિને એક મોટું નિવેદન આપતા કહ્યું હતું, “અમે આ જટિલ મુદ્દે વાતચીત માટે તૈયાર છીએ કારણ કે યુક્રેનના લોકો આપણા અત્યંત કરીબી છે. તાજેતરના જિનેટિક રિસર્ચથી પણ એ સાબિત થયું છે કે રશિયા અને યુક્રેનના લોકો મૂળભૂત રીતે એક જ છે, પરંતુ જો તેઓ અલગ રીતે વિચારવા માંગતા હોય તો ભલે, અમે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular