Homeગુજરાતીદેશ-વિદેશશેરબજારમાં ઉતાર-ચઢાવ: બ્રેન્ટ ક્રૂડ 114 ડૉલર પહોંચતા સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

શેરબજારમાં ઉતાર-ચઢાવ: બ્રેન્ટ ક્રૂડ 114 ડૉલર પહોંચતા સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

મુંબઈ, 23 ઓક્ટોબર 2026: ભારતીય શેરબજારમાં શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે મજબૂત શરૂઆત બાદ બપોરના સત્રમાં અચાનક ભારે વેચવાલી હાવી થઈ ગઈ હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતો 114 ડૉલર પ્રતિ બેરલની સપાટી વટી જતાં રોકાણકારોની ધારણા પર માઠી અસર પડી હતી. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત જારી રહેલી વેચવાલીએ ઘરેલુ બજારનું દબાણ વધુ વધાર્યું હતું, જેના પગલે એક સમયે સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો લગભગ 1 ટકા સુધી તૂટી ગયા હતા. જોકે, કારોબારના અંતે નીચલા સ્તરેથી થયેલી લેવાલીને કારણે બજારમાં સહેજ સુધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 125.56 પોઈન્ટ ઘટીને 73,123.83ની સપાટીએ જ્યારે નિફ્ટી 87.66 પોઈન્ટ ગગડીને 22,600ની સપાટી પર બંધ રહ્યા હતા. આ સાથે જ શુક્રવારે રૂપિયો પણ સતત બીજા દિવસે ઘટીને 94.93 (પ્રોવિઝનલ) પર બંધ થયો હતો.

શુક્રવારે સવારના સત્રમાં બજાર વધારા સાથે ખુલ્યા બાદ બપોરના કારોબાર સુધીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ શરૂઆતની તેજી ગુમાવીને બપોરના કારોબારમાં 730.30 પોઈન્ટ એટલે કે 1 ટકા તૂટીને 72,519.09ના નીચલા સ્તરે સરકી ગયો હતો, જે અંતમાં સુધારા સાથે 125.56 પોઈન્ટ ઘટીને 73,123.83 પર બંધ થયો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી50 ઈન્ડેક્સ પણ 260.75 પોઈન્ટ એટલે કે 1.15 ટકા ગગડીને 22,426.90ની સપાટીએ પહોંચી ગયો હતો અને અંતે 87.66 પોઈન્ટના ઘટાડા સાથે 22,600 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુરુવારે પણ સેન્સેક્સ 460.30 પોઈન્ટ અને નિફ્ટી 123.70 પોઈન્ટ ગગડીને બંધ રહ્યા હતા, જે બજારમાં સતત ત્રીજા સત્રની મંદી દર્શાવે છે.

બજારના વિશેષજ્ઞોના મતે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કાચા તેલની ઊંચી કિંમતોને કારણે બજારની તેજી લાંબો સમય ટકી શકી નહોતી. પશ્ચિમ એશિયાના તણાવને કારણે વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1 ટકા વધીને 114 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. બીજી તરફ, FIIs દ્વારા ગુરુવારે ભારતીય બજારમાંથી 3,458.70 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા 2,891.32 કરોડ રૂપિયાની શુદ્ધ ખરીદી કરવામાં આવી હતી.

  • ટાટા સ્ટીલ સહિતના શેરોમાં સૌથી વધુ ધોવાણ

શુક્રવારના કારોબારમાં સેન્સેક્સના મુખ્ય ઘટકોમાં ટાટા સ્ટીલ સૌથી વધુ નુકસાન કરનાર શેર રહ્યો હતો, જેમાં 5 ટકાથી વધુનું મોટું ગાબડું નોંધાયું હતું. ટાટા સ્ટીલ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ટાઇટન, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એનટીપીસી, ઇન્ડિગો, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જોકે, આ વિપરીત માહોલ વચ્ચે પણ ઇટરનલ, ટીસીએસ (TCS), ઇન્ફોસિસ, એલએન્ડટી અને એચડીએફસી બેંક તેજી સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

વૈશ્વિક બજારો તરફથી મિશ્ર સંકેતો મળ્યા હતા. એશિયન બજારોએ શરૂઆતી નુકસાનમાંથી બહાર આવીને શંઘાઈ, હૉંગકૉંગ અને સાઉથ કોરિયાના સૂચકાંકોમાં સુધારો નોંધાવ્યો હતો, જોકે જાપાનનો નિક્કી 225 ઘટાડા સાથે બંધ થયો હતો. આ તરફ યુરોપિયન બજારોમાં પણ મંદીનું વાતાવરણ રહ્યું હતું.

ચૉઇસ બ્રોકિંગના ટેક્નિકલ રિસર્ચ એનાલિસ્ટ હિતેશ ટેલરના જણાવ્યા અનુસાર, “હાલની પ્રાઇસ એક્શન નીચા સ્તરે સાવચેતીપૂર્વક થતી લેવાલી દર્શાવે છે. જોકે, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને વધતી અસ્થિરતા વચ્ચે ટ્રેડર્સે સિલેક્ટિવ અભિગમ અપનાવવો પડશે. વૈશ્વિક દબાણને પચાવીને બજારની તેજી જાળવી રાખવાની ક્ષમતા જ તેની આગામી દિશા નક્કી કરશે.” ટૂંકા ગાળા માટે કાચા તેલની ઊંચી કિંમતો અને FIIsની નિકાસ ભારતીય શેરબજાર માટે પડકારરૂપ બની રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular