રેસીપી, 05 નવેમ્બર 2026: જો તમને ગુજરાતી ઢોકળા અને ચટાકેદાર ચાટ બંને પસંદ હોય, તો ઢોકળા ચાટ તમારા માટે એક પરફેક્ટ વાનગી છે. સોફ્ટ અને જાળીદાર બેસનના ઢોકળા પર મીઠી દહીં, તીખી-મીઠી ચટણીઓ, ચાટ મસાલો, સેવ અને દાડમના દાણા ઉમેરીને બનાવવામાં આવતી આ ચાટ સ્વાદમાં અદ્ભુત લાગે છે.
દિવાળીમાં મહેમાનો આવે તો એમના માટે આ ખાસ નાસ્તો બનાવો, તે કે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માટે આ એક ઝટપટ બનતી અને દરેકને ભાવે તેવી ડીશ છે.
ઢોકળા ચાટ રેસીપી
સામગ્રી
1 કપ બેસન
1 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
એક ચપટી ઇનો
1 કપ મીઠી દહીં
જરૂર મુજબ ચટણી
ગાર્નિશ માટે સેવ
ગાર્નિશ માટે દાડમ
ચાટ મસાલો – સ્વાદ મુજબ
ઢોકળા ચાટ બનાવવાની રીત
એક બાઉલમાં 1 કપ બેસન ચાળીને લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તેલ અને થોડું થોડું પાણી ઉમેરીને ગઠ્ઠા વગરનું મધ્યમ ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. ખીરાને 2-3 મિનિટ માટે બરાબર ફેંટી લો.
ઢોકળિયા કે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો અને પ્લેટને તેલથી ગ્રીસ કરી લો. હવે બેસનના ખીરામાં એક ચપટી ઇનો ઉમેરી તેના પર પાણી નાખી હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરો.
ખીરૂં ફૂલી જાય એટલે તરત જ તેને ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી દો અને ધીમી થી મધ્યમ આંચ પર 12 મિનિટ માટે બાફી લો. ઢોકળા બફાઈ જાય એટલે ઠંડા થાય પછી તેના નાના ચોરસ ટુકડા કાપી લો.
એક વાસણમાં મીઠું દહીં તૈયાર રાખો. સાથે લીલી ધાણા-મરચાની ચટણી અને આંબલી-ખજૂરની મીઠી ચટણી પણ તૈયાર રાખો. એક સર્વિંગ પ્લેટમાં બાફેલા ઢોકળાના ટુકડા ગોઠવો.
તેના પર તૈયાર કરેલું મીઠું દહીં ઉદારતાથી રેડો જેથી ઢોકળા દહીંને સરસ સોષી લે. હવે તેની ઉપર લીલી ચટણી અને ખજૂર-આંબલીની મીઠી ચટણી તમારી પસંદગી મુજબ નાખો.
હવે ઉપરથી સ્વાદ મુજબ ચાટ મસાલો અને સેવ નાખો. છેલ્લે લાલ-લાલ દાડમના દાણા અને ઝીણી સમારેલી લીલી કોથમીરથી સજાવીને આ ચટાકેદાર ઢોકળા ચાટને ગરમાગરમ કે ઠંડી સર્વ કરો.


