વારંવાર પાણીમાં પલાળીને ચિયા સીડ્સ ખાવાથી કંટાળી ગયા છો? તો હવે સમય આવી ગયો છે તમારી હેલ્થ ડાયેટમાં કંઈક નવું અને ટેસ્ટી સામેલ કરવાનો. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાતા ચિયા સીડ્સમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવા મહત્ત્વના પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. જો તમે તેને રોજિંદી રીતોથી અલગ રીતે ખાવા માંગતા હોવ, તો નાસ્તાથી લઈને સ્નેક્સ સુધી જુદી-જુદી વાનગીઓમાં તેને ખૂબ જ સરળતાથી સામેલ કરી શકો છો.
ચિયા સીડ્સ પુડિંગ ચિયા સીડ્સને ડાયેટમાં સામેલ કરવાનો સૌથી સહેલો રસ્તો તેનું પુડિંગ બનાવવાનો છે, જે સવારના નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે.
-
બનાવવાની રીત: ૨ મોટા ચમચી ચિયા સીડ્સ લો અને તેમાં અડધાથી પોણો કપ દૂધ અથવા દહીં સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ઢાંકીને આખી રાત ફ્રિજમાં મૂકી દો (જો ઠંડી હોય તો બહાર પણ રાખી શકો છો). સવાર સુધીમાં ચિયા સીડ્સ પ્રવાહી શોષીને ઘટ્ટ થઈ જશે અને પુડિંગ જેવું ટેક્સચર બની જશે.
-
ફાયદો: તેમાં કાપેલા ફળો, ડ્રાયફ્રૂટ્સ અથવા મનપસંદ સીડ્સ ઉમેરીને ખાઈ શકો છો. ગળપણ માટે ખાંડના બદલે મધનો ઉપયોગ કરવો વધુ સ્વાસ્થ્યવર્ધક છે.
હોમમેઇડ ચિયા સીડ્સ જામ બજારના કેમિકલયુક્ત જામને બદલે તમે ચિયા સીડ્સની મદદથી ઘરે જ હેલ્ધી ફ્રૂટ સ્પ્રેડ અથવા જામ બનાવી શકો છો.
-
બનાવવાની રીત: સ્ટ્રોબેરી, બ્લુબેરી અથવા તમારા મનપસંદ અન્ય નરમ ફળો લો અને તેને સારી રીતે મેશ (ક્રશ) કરી લો. હવે તેમાં 1 મોટી ચમચી ચિયા સીડ્સ અને સ્વાદ માટે થોડું મધ ઉમેરો. આ મિશ્રણને થોડીવાર માટે મૂકી રાખો, જેથી ચિયા સીડ્સ પ્રવાહી શોષીને તેને જામ જેવું જાડું બનાવી દે.
દહીં સાથે ચિયા સીડ્સ જો તમારી પાસે સવારે વધુ સમય ન હોય, તો તમે સીધા દહીં સાથે પણ ચિયા સીડ્સનું સેવન કરી શકો છો.
-
બનાવવાની રીત: એક વાટકી તાજા દહીંમાં ચિયા સીડ્સ મિક્સ કરો અને ઉપરથી કાપેલા ફળો, થોડા ઓટ્સ અથવા ગ્રેનોલા ભભરાવો.
-
ફાયદો: તેને તરત ખાવાને બદલે થોડીવાર ફ્રિજમાં રાખવાથી બીજ સારી રીતે ફૂલી જાય છે. દહીંમાંથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, જ્યારે ચિયા સીડ્સ ફાઇબર અને ઓમેગા-3 પૂરું પાડે છે.
સ્મૂદીમાં કરો ઉપયોગ સવારની ભાગદોડમાં જ્યારે નાસ્તો બનાવવાનો સમય ન હોય, ત્યારે હેલ્ધી સ્મૂદીમાં ચિયા સીડ્સ ઉમેરવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
-
બનાવવાની રીત: એક કપ દૂધ અથવા તમારા મનપસંદ પ્રવાહીમાં કેળું કે અન્ય ફળો, 1 મોટો ચમચી ચિયા સીડ્સ અને જો ઈચ્છો તો થોડું નટ બટર ઉમેરીને બ્લેન્ડ કરી લો. પોષણ વધારવા માટે તેમાં થોડી પાલક પણ ઉમેરી શકાય છે.
ઓવરનાઈટ ઓટ્સ વજન નિયંત્રણમાં રાખવા અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવા માટે ઓવરનાઈટ ઓટ્સમાં ચિયા સીડ્સ ઉમેરી શકાય છે.
-
બનાવવાની રીત: અડધો કપ રોલ્ડ ઓટ્સ, ૧ મોટી ચમચી ચિયા સીડ્સ અને પોણો કપ દૂધ એક વાસણમાં ભેગા કરો. તેને ઢાંકીને આખી રાત ફ્રિજમાં રાખો. સવારે તેમાં દહીં અને તાજા ફળો મિક્સ કરીને ખાઈ શકો છો. ઓટ્સ અને ચિયા સીડ્સ બંનેમાં ભરપૂર ફાઇબર હોવાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા ઓછી થાય છે.


