નવી દિલ્હી, 08 નવેમ્બર 2026: તહેવારોની મોસમ પહેલાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે ૧લી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી દેશવ્યાપી તપાસ ઝુંબેશ દરમિયાન, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) એ 82 કરોડ રૂપિયાની કિંમતના 3,280 ટન ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા છે, જેમાં પનીર, દૂધ, ઘી અને મીઠાઈઓનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓ કાં તો પ્રતિબંધિત હતી અથવા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી ન હતી. ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતા, FSSAIએ 52 લાયસન્સ રદ કર્યા, 1,133 લાયસન્સ સ્થગિત કર્યા અને 314 સંસ્થાનોને સીલ કરી દીધા.
શનિવારે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, FSSAI એ જણાવ્યું હતું કે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને દેખરેખ વધારી દેવામાં આવી છે.
સત્તામંડળે જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બરથી 5 નવેમ્બરની વચ્ચે દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે 56,431 ખાદ્ય પ્રતિષ્ઠાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન, નિર્ધારિત ધોરણોને પૂર્ણ ન કરનારા ખાદ્ય પદાર્થો (જેમાં પનીર, ઘી, દૂધ અને મીઠાઈઓનો સમાવેશ થાય છે) તેને જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સત્તાવાળાઓએ ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને 10,047 નોટિસ જારી કરી, તેમને જરૂરી સુધારા કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
વધુ વાંચો: લાલકૃષ્ણ અડવાણી 99 વર્ષના થયા! PM મોદી અને ઉપરાષ્ટ્રપતિએ પાઠવી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ








