Homeગુજરાતીગુજરાતગુજરાત ડિસેમ્બર 2028 સુધીમાં નશામુક્ત બનશેઃ અમિત શાહ

ગુજરાત ડિસેમ્બર 2028 સુધીમાં નશામુક્ત બનશેઃ અમિત શાહ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે અમદાવાદમાં ૭૦૦થી વધુ નવનિર્મિત ગરીબ આવાસોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે શહેર માટે રૂ. ૧,૦૨૪ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કર્યા હતા. જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રીએ અમદાવાદવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજે કુલ મળીને આશરે રૂ ૧,૪૦૦ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે.

અમિત શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે આ રૂ. ૧,૪૦૦ કરોડના પ્રોજેક્ટ્સમાંથી આશરે રૂ. ૧,૧૦૦ કરોડના પ્રકલ્પો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે, જ્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તેમજ ભારત સરકારના રૂ. ૪૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ કાં તો પૂર્ણ થઈ ચૂક્યા છે અથવા આજે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

પોતાના સંબોધનમાં ગૃહમંત્રીએ ભૂતકાળને યાદ કરતા રામાપીરના ટેકરાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાવુક થઈને કહ્યું કે, “મારી રાજકીય કારકિર્દીની શરૂઆત અહીંથી જ થઈ હતી. ૧૯૮૫માં જ્યારે હું અહીં મતદાર કાર્ડ અને સ્લિપો વહેંચવા આવતો ત્યારે અહીં ગંદી ગટર વહેતી હતી, પીવાના પાણીની કોઈ સુવિધા નહોતી, બીમારીઓનો ભોગ બનવું પડતું અને નાના-મોટા અસામાજિક બનાવો સામાન્ય હતા.”

તેમણે ઉમેર્યું કે ૨૦૦૭માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને પાકાં મકાનો આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. તેના પરિણામે આજે રામાપીરના ટેકરાના રહિશોને પ્રાઇવેટ બિલ્ડરો જેવા સુસજ્જ અને સ્વચ્છ ફ્લેટ્સ મળી રહ્યા છે, જેમાં પંખા સુધીની સુવિધાઓ આપવામાં આવી છે. આ આખો પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અહીંના સંકુલમાં ૫૫,૦૦૦થી વધુ લોકોને સામાજિક સુરક્ષા, મનોરંજન, લાઇબ્રેરી, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.

અમિત શાહે બોપલ-ઘુમા વિસ્તારમાં ડ્રેનેજ અને પંપ હાઉસના ભૂમિપૂજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ચોમાસા દરમિયાન આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા રહેતી હતી. આ વિસ્તાર તેમનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર હોવાથી તેમણે રહિશોને વચન આપ્યું હતું કે હવેથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવશે.

કાળી ચૌદસના દિવસે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકનો હવાલો આપતાં ગૃહમંત્રીએ સૌથી મહત્વનો મુદ્દો ‘નશા-મુક્તિ’નો ઉઠાવ્યો હતો. તેમણે દેશના યુવાધન અને સમાજને હાકલ કરતા કહ્યું કે, “તમે બસ એક કોલ (હેલ્પલાઇન નંબર ૧૦૩૩) કરો, ગુજરાત સરકાર નશાનો વેપાર કરતા ગુનેગારોને સીધા જેલના સળિયા પાછળ ધકેલી દેશે. નશો આપણી યુવા પેઢીને બરબાદ કરે છે અને તેનાથી કમાયેલા નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થાય છે.”

તેમણે જાહેરાત કરી હતી કે ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં સમગ્ર ગુજરાતને ‘નશા-મુક્ત’ બનાવવાનું અને ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં સમગ્ર દેશને નશા-મુક્ત કરવાનો દ્રઢ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે માતા-પિતા અને સામાજિક સંસ્થાઓને સતર્ક રહેવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે નશાના વેપારીઓ અંગે માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img