નવી દિલ્હી, 4 નવેમ્બર 2026: સુપ્રીમ કોર્ટે રાજ્યોની વિધાનસભાઓ દ્વારા વેચાણ કે ખરીદી પર અગાઉથી લાગુ ટેક્સના આધારે વધારાનો ટેક્સ, સરચાર્જ કે સેસ લાદવાના અધિકારને બહાલ રાખ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, સેલ્સ ટેક્સ પર વધારાનો ટેક્સ (અધિકારશુલ્ક) વસૂલવાની રાજ્યોની વિધાયી સત્તાને ભૂતકાળના નિર્ણયોમાં માન્યતા મળેલી છે અને તે કાનૂની સ્થિતિ આજે પણ અમલી રહે છે.
આ કાનૂની વિવાદ આશરે 27 વર્ષ પહેલા સાત જજની પીઠને સોંપવામાં આવ્યો હતો. આ કેસ ઓડિશા સેલ્સ ટેક્સ એક્ટ, 1947 ની કલમ 5-એ સાથે જોડાયેલો હતો. આ કલમ હેઠળ ચોક્કસ વેપારીઓ પર તેમના વાર્ષિક ટર્નઓવરના આધારે વધારાનો ટેક્સ ઝીંકવામાં આવ્યો હતો. જેમાં 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર 10 ટકા અને 1 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર 15 ટકા વધારાના ટેક્સની જોગવાઈ હતી.
અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ્ય સરકારને આ રીતે વધારાનો ટેક્સ લાદવાની સત્તા છે? તેમની દલીલ હતી કે આ લેવી વેચાણ કે ખરીદી પરના ટેક્સના બદલે વેપારીઓની ‘આવક પરના ટેક્સ’ જેવી છે, જે કેન્દ્ર સરકાર (સંસદ)ના અધિકારક્ષેત્રમાં આવે છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અગાઉની 5 જજની પીઠના ‘એસ. કોડર વિરુદ્ધ કેરળ રાજ્ય’ કેસના ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો, જેમાં વધારાના સેલ્સ ટેક્સને કાયદેસર અને બંધારણીય ગણાવવામાં આવ્યો હતો.
-
“હવે આ વિવાદ માત્ર શૈક્ષણિક બની રહ્યો છે”
7 જજની પીઠે સ્પષ્ટતા કરી હતી કે, વેચાણવેરાના આધારે નક્કી કરાયેલો વધારાનો ટેક્સ પણ મૂળભૂત રીતે વેચાણ કે ખરીદી પરના ટેક્સના સ્વરૂપનો જ છે. અદાલતે એ પણ નોંધ્યું હતું કે જે મૂળ કાયદાકીય જોગવાઈ સામે વિરોધ હતો, તેમાં સમય જતાં સુધારા થઈ ચૂક્યા છે અથવા તેની જગ્યાએ નવા કાયદા અમલમાં આવી ગયા છે. આથી, સાત જજની પીઠ સમક્ષ મોકલેલો આ પ્રશ્ન હવે વ્યવહારિક મહત્વ ગુમાવી ચૂક્યો છે અને માત્ર શૈક્ષણિક સ્વરૂપનો જ રહ્યો છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, વર્ષ 2017 માં દેશભરમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા પછી આ વિવાદનું મહત્વ ઘણું ઓછું થઈ ગયું છે. આમ છતાં, સર્વોચ્ચ અદાલતે રાજ્યોની કાયદાકીય સત્તા અંગે અગાઉથી સ્થાપિત કાનૂની સ્થિતિને અકબંધ રાખી છે.
-
બંધારણીય પીઠમાં સામેલ ન્યાયમૂર્તિઓ
આ મહત્વપૂર્ણ નિર્ણય આપનારી સાત જજની બંધારણીય પીઠમાં CJI સૂર્યકાંત ઉપરાંત જસ્ટિસ કે.વી. વિશ્વનાથન, જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી, જસ્ટિસ જોયમાલ્યા બાગચી, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ અરુણ પલ્લી અને જસ્ટિસ વી. મોહનાનો સમાવેશ થતો હતો. આ ચુકાદામાં જસ્ટિસ વિશ્વનાથને પોતાનો સંમત થતો અલગ નિર્ણય પણ નોંધાવ્યો હતો.


