Homeગુજરાતીદેશ-વિદેશચેન્નાઈમાં અનોખો એન્જિનિયરિંગ કમાલ: 4 બિલ્ડિંગોની વચ્ચેથી પસાર થશે મેટ્રો ટ્રેન

ચેન્નાઈમાં અનોખો એન્જિનિયરિંગ કમાલ: 4 બિલ્ડિંગોની વચ્ચેથી પસાર થશે મેટ્રો ટ્રેન

ચેન્નાઈ, 13 નવેમ્બર 2026: દેશમાં શહેરી પરિવહન અને આધુનિક બાંધકામનો એક અનોખો સંગમ ટૂંક સમયમાં ચેન્નાઈમાં જોવા મળશે. શહેરના થિરુમંગલમ વિસ્તારમાં ચાર બહુમાળી ઈમારતોનું એક એવું વિશાળ સંકુલ (કોમ્પ્લેક્સ) તૈયાર થવા જઈ રહ્યું છે, જેની બરાબર વચ્ચેથી મેટ્રોનો એલિવેટેડ કોરિડોર પસાર થશે. એટલે કે એક જ પરિસરમાં કોમર્શિયલ બિલ્ડિંગ્સ, મેટ્રો સ્ટેશન અને રેલવે ટ્રેક જેવી સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ હશે. જમીનની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે જાહેર પરિવહન અને વ્યાપારી બાંધકામને એકીકૃત કરતો આ પ્રોજેક્ટ ભારતમાં શહેરી વિકાસનું નવું મોડેલ બની શકે છે.

ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડ (CMRL) દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણનો કોન્ટ્રાક્ટ ‘કેપેસિટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ’ને અંદાજે 368.98 કરોડ રૂપિયામાં સોંપવામાં આવ્યો છે. ચેન્નાઈ મેટ્રોના બીજા તબક્કા હેઠળ આ એક મુખ્ય ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) પ્રોજેક્ટ છે, જેને 730 દિવસ એટલે કે બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. થિરુમંગલમ મેટ્રો સ્ટેશન નજીક અંદાજે 3.85 એકર જમીન પર વિકસાવવામાં આવનાર આ સંકુલમાં કુલ ચાર ટાવર બનશે, જેમાં ટાવર A અને C માં 3 બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના 9 માળ, ટાવર B માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 9 માળ અને ટાવર D માં ગ્રાઉન્ડ ફ્લોર તથા ઉપરના 2 માળ હશે. ખાસ વાત એ છે કે મેટ્રોનો એલિવેટેડ વાયાડક્ટ આ ટાવરોની વચ્ચેથી પસાર થશે અને સૂચિત ફેઝ-2 મેટ્રો સ્ટેશન ટાવર B અને C ની વચ્ચે બનાવવામાં આવશે, જેથી બિલ્ડિંગમાં કામ કરતા લોકો સીધા જ મેટ્રો સ્ટેશન સુધી સરળતાથી પહોંચી શકે.

  • સુરક્ષા, કંપન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા અને પડકાર મેટ્રોના વાયાડક્ટ અને ઈમારતોના માળખાને એક જ પરિસરમાં સુરક્ષિત રીતે વિકસાવવાનો છે. આ માટે એન્જિનિયરિંગ ડિઝાઇનમાં અલગ-અલગ સ્ટ્રક્ચરલ સપોર્ટ રાખવામાં આવશે, જેથી ઈમારતોનું વજન મેટ્રોના પિલર પર ન પડે. ટ્રેન પસાર થવા માટે પૂરતી ઊંચાઈ અને પહોળાઈ (ક્લિયરન્સ) જાળવવાની સાથે ગર્ડર, બીમ અને ફાઉન્ડેશનની એવી ગોઠવણી કરાશે કે બંને માળખા વચ્ચે કોઈ ટકરાવ ન થાય. સક્રિય મેટ્રો કોરિડોરની આસપાસ બાંધકામ દરમિયાન ટ્રેનના કંપનની અસર ઈમારતો પર ન પડે તે માટે ખાસ બેરિંગ અને વાઇબ્રેશન આઇસોલેશન જેવી તકનીકો પર ધ્યાન અપાશે. આ ઉપરાંત, ભારે મશીનરીથી મેટ્રોના માળખાને નુકસાન ન થાય તે માટે સુરક્ષાના કડક પગલાં તેમજ BIM (બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ) ટેકનોલોજી દ્વારા ડિજિટલ મોડેલ તૈયાર કરીને ડિઝાઇનની સંભવિત ખામીઓ અગાઉથી જ દૂર કરવામાં આવશે.

‘ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ’ના ખ્યાલ પર આધારિત આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ મેટ્રો સ્ટેશનોની આસપાસ જ એવી શહેરી સુવિધાઓ ઊભી કરવાનો છે, જ્યાં લોકોને ઓફિસ, શોપિંગ અને મુસાફરી માટે અલગ-અલગ જગ્યાએ ભટકવું ન પડે. આનાથી ખાનગી વાહનોનો ઉપયોગ ઘટશે, જાહેર પરિવહનને પ્રોત્સાહન મળશે અને શહેરી જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકશે. જો આ પ્રોજેક્ટ નિર્ધારિત સુરક્ષા માપદંડો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થશે, તો તે સમગ્ર ભારતમાં મેટ્રો અને કોમર્શિયલ બિલ્ડિંગના એકીકરણ માટે એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ બનશે.

(PHOTO-FILE)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img