ઢાકા, 14 નવેમ્બર 2026: શહેરોમાં થોડા કલાકો માટે વીજળી ગુલ થઈ જાય તો લોકોની હાલત કફોડી બની જાય છે, પરંતુ જરા વિચારો કે જો કોઈ આખા વિસ્તારમાં સતત પાંચ મહિના સુધી વીજળી ન આવે તો ત્યાંના રહેવાસીઓની સ્થિતિ કેવી હશે? બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લાના સદરપુર ઉપજિલામાં આવેલા નારિકેલ બરિયા યુનિયનના આશરે 35 થી 40 ગામોમાં છેલ્લા પાંચ મહિનાથી ગંભીર વીજળી સંકટ સર્જાયું છે. પદ્મા નદીના તળિયે બિછાવેલી વીજળીના કેબલ તૂટી જવાના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે, જેનાથી આશરે 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઢાકાથી પદ્મા નદીની નીચે આશરે ચાર કિલોમીટર લાંબી વીજળીની કેબલ બિછાવવામાં આવી હતી, જેના દ્વારા નારિકેલ બરિયા યુનિયનના ગામોને વીજ ગ્રીડ સાથે જોડવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં તત્કાલીન સરકારની 100 ટકા વીજળીકરણ યોજના હેઠળ આ વિસ્તારમાં પહેલીવાર વીજળી પહોંચી હતી, જેનાથી લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. જોકે, વીજળી કનેક્શન શરૂ થયા બાદ છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત કેબલ તૂટી ચૂક્યાં છે. છેલ્લીવાર ગત 8 જૂન 2026 ના રોજ નદીના તળિયે કેબલ તૂટી ગયા હતા, ત્યારથી સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણ ઠપ છે. ગ્રામીણ વીજળીકરણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન પદ્મા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર અને જળસ્તર ઊંચું હોવાને કારણે કેબલની મરામત થઈ શકી નથી. ગોતાખોરો પણ નદીની અંદર જઈને મરામત કરવામાં અસમર્થ રહ્યા હતા.
આ લાંબા વીજળી સંકટે લોકોની દિનચર્યા સંપૂર્ણપણે બદલી નાખી છે. ઘરોમાં રાખેલા ફ્રિજ અને ટીવી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, પંખા બંધ છે અને બાળકોનું ભણતર પણ પ્રભાવિત થઈ રહ્યું છે. નાના દુકાનદારો અને ખેડૂતો સામે રોજીરોટીનું મોટું સંકટ ઊભું થયું છે. એક દરજીએ પોતાની ઇલેક્ટ્રિક સલાઈ મશીન ચાલુ રાખવા માટે 18 હજાર ટકા (આશરે 13612 રૂપિયા) ખર્ચીને નવી બેટરી ખરીદવી પડી છે, જે તેના કેટલાક વર્ષોના વીજ બિલ જેટલી રકમ છે. આ ઉપરાંત ઘણા લોકોએ વીજળી વિના કામ ચલાવવા માટે પોતાના ઘરોમાં સોલર પેનલ પણ લગાવવા પડ્યા છે.
-
કેબલ બિછાવવાની કવાયત અને ડિસેમ્બર સુધીનું લક્ષ્ય
જૂના કેબલની મરામત અશક્ય હોવાથી હવે નવા કેબલ બિછાવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે અંદાજે 250 મિલિયન ટકા (18.91 કરોડ રૂપિયા)નો ખર્ચ થવાનો અંદાજ છે. ચાર કિલોમીટર લાંબી નવી કેબલની વ્યવસ્થા કરી લેવાઈ છે અને ઠેકેદારની નિમણૂક માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી છે. તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ કેબલ બિછાવામાં મહત્તમ ત્રણ દિવસ લાગશે અને આગામી ડિસેમ્બર સુધીમાં વીજ પુરવઠો ફરીથી પૂર્વવત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.








