ઠંડીની મોસમ શરૂ થતાં જ મોટાભાગના લોકોની ત્વચા ડ્રાય (શુષ્ક) થઈ જતી હોય છે. ફેસ વેશ કર્યા બાદ ત્વચા તણાયેલી લાગવી કે મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી પણ થોડીવારમાં ફરીથી ડ્રાઇનસ મહેસૂસ થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માત્ર કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ શિયાળામાં મોટાભાગની મહિલાઓ આનો સામનો કરે છે. બજારમાં મળતા મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ્સ ખરીદવા બધા માટે શક્ય નથી હોતા. આવી સ્થિતિમાં, તમારા રસોડામાં દૂધમાંથી નીકળતી તાજી મલાઈ તમારી ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે. મલાઈમાં રહેલું ફેટ સ્કીનને સોફ્ટ બનાવવામાં અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
-
મલાઈ અને મધનો ફેસ પેક
જો શિયાળામાં ચહેરો ધોયા પછી ત્વચામાં ખેંચાણ અનુભવાતું હોય, તો મલાઈ અને મધનો પેક શ્રેષ્ઠ વિકલ્પ છે. મલાઈ ત્વચાને સોફ્ટ બનાવે છે જ્યારે મધ ભેજને જકડી રાખે છે.
બનાવવાની રીત: એક વાટકીમાં બે ચમચી ફ્રેશ મલાઈ લો. તેમાં એક ચમચી મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. 10 થી 15 મિનિટ સુધી સૂકવવા દો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.
-
મલાઈ અને બેસનનો ફેસ પેક
શિયાળામાં ત્વચા શુષ્ક થવાની સાથે નિર્જીવ પણ બનવા લાગે છે. બેસન ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને મલાઈ પોષણ આપે છે.
બનાવવાની રીત: બે ચમચી મલાઈમાં એક ચમચી બેસન મિક્સ કરો. જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો થોડું કાચું દૂધ ઉમેરી શકો છો. તેને ચહેરા પર 10-15 મિનિટ લગાવી રાખો અને હળવા હાથે મસાજ કરીને પાણીથી ધોઈ લો.
-
મલાઈ અને એલોવેરા જેલનો ફેસ પેક
ઠંડી હવા અને તડકાને કારણે જો ચહેરો ડ્રાય અને થાકેલો દેખાતો હોય, તો આ પેક ખૂબ જ ગુણકારી છે. એલોવેરા ત્વચાને ઠંડક આપે છે.
બનાવવાની રીત: બે ચમચી મલાઈમાં એક ચમચી પ્લેન એલોવેરા જેલ મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવીને 10 મિનિટ માટે છોડી દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.
- ઓટ્સ અને મલાઈનો ફેસ પેક
જો તમારી સ્કીન ડ્રાય હોવાની સાથે રફ પણ અનુભવાતી હોય, તો ઓટ્સ ઉત્તમ સ્ક્રબ અને પેકનું કામ કરે છે.
બનાવવાની રીત: બે ચમચી ઓટ્સને મિક્સરમાં પીસીને પાઉડર બનાવી લો. તેમાં બે ચમચી મલાઈ મિક્સ કરી પેક બનાવો. ચહેરા પર લગાવીને 10-15 મિનિટ રાખો અને ધોતી વખતે હળવા હાથે રબ કરો જેથી ડેડ સ્કીન નીકળી જાય.
-
મલાઈ અને કેળાનો ફેસ પેક
કેળું ત્વચાને કુદરતી રીતે કોમળ બનાવે છે અને મલાઈ ડ્રાઇનસ દૂર કરે છે.
બનાવવાની રીત: અડધા પાકા કેળાને સારી રીતે મેશ કરી લો. તેમાં એક ચમચી મલાઈ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને 15 મિનિટ રાખો અને પછી પાણીથી ધોઈ લો.








