ઓટાવા, 19 નવેમ્બર 2026: કેનેડાના બ્રિટિશ કોલંબિયાના લેંગ્લી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ૨૫ વર્ષીય તુષાર શર્માનો મૃતદેહ સળગતી કારમાંથી મળી આવ્યો છે. પોલીસે આ ભારતીય વ્યક્તિની શંકાસ્પદ હત્યાના મામલે તપાસ શરૂ કરી છે.
એક વાહનની અંદર મળી આવેલા માનવ અવશેષો પરથી તુષાર શર્માની ઓળખ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, શર્મા સરે (Surrey) ના રહેવાસી હતા. તેમની હત્યા ક્યારે અને કેવી રીતે કરવામાં આવી તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે જણાવ્યું હતું કે 29 ઓક્ટોબરની રાત્રે, આશરે 10:30 વાગ્યે, તેમને લેંગલીના રોલિનસન ક્રેસન્ટ વિસ્તારમાં એક વાહનમાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. લેંગલી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે, ત્યાં પહોંચેલા બચાવકર્મીઓને વાહનની અંદર માનવ અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના બાદ, પોલીસે હત્યાના કેસ તરીકે તપાસ શરૂ કરી છે.
ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસની જવાબદારી સંભાળી
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેનેડાની ‘ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ’ (IHIT) એ તપાસની જવાબદારી સંભાળી લીધી છે. આ પ્રક્રિયામાં લેંગ્લી RCMP (રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ), ફોરેન્સિક ટીમો અને BC કોરોનર્સ સર્વિસ પણ સહયોગ આપી રહ્યા છે. આ ટીમોના સંયુક્ત પ્રયાસોથી તપાસમાં ગતિ આવશે અને તે ઝડપથી કોઈ નિષ્કર્ષ પર પહોંચશે તેવી અપેક્ષા છે, જેનાથી પીડિત પક્ષને ટૂંક સમયમાં ન્યાય મળવાની આશા જાગી છે.
વધુ વાંચો: માનવીય સુરક્ષા માટે ભારત પ્રતિબદ્ધ, CDS જનરલ રાજા સુબ્રમણીએ વ્યક્ત કર્યો દેશનો સંકલ્પ








