મુંબઈ, 19 નવેમ્બર 2026: મુંબઈ, 19 નવેમ્બર 2026: અગાઉના સત્રના ઘટાડા બાદ ગુરુવારે ભારતીય શેરબજારે જોરદાર પલટવાર કરતા શાનદાર તેજી સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50માં 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 989.94 પોઈન્ટ એટલે કે 1.21 ટકા વધીને 83,021.75ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 286.35 પોઈન્ટ (1.14 ટકા) ઉછળીને 25,514.30 પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાનના કારોબારમાં સેન્સેક્સે 83,043.87ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો, જ્યારે નિફ્ટી 50એ 25,514.30નો ઈન્ટ્રા-ડે હાઈ બનાવ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.06 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.71 ટકા વધ્યા હતા.
નિફ્ટી 50 ઈન્ડેક્સમાં મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ 7.58 ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત આયશર મોટર્સ, એમએન્ડએમ, ટીએમપીવી અને એચયુએલના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બીજી તરફ ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસ જેવા આઈટી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ક્ષેત્રવાર કામગીરી પર નજર કરીએ તો નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં 4.40 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલમાં 3.2 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 2.29 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 2.09 ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં 1.39 ટકાની મજબૂતી જોવા મળી હતી. તેનાથી વિપરીત નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.1 ટકા ગગડ્યો હતો.
-
તેજી પાછળના મુખ્ય કારણો
એશિયાઈ બજારોના નબળા સંકેતો અને અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણની ચિંતાઓ વચ્ચે પણ ભારતીય બજારની રિકવરી જળવાઈ રહી હતી. વિદેશી રોકાણકારોના સતત પ્રવાહ અને ક્રૂડ ઓઈલ તેમજ કોપર જેવી કોમોડિટીની કિંમતોમાં નરમાઈથી બજારને ટેકો મળ્યો હતો. નવેમ્બરમાં વિદેશી રોકાણમાં થયેલા રેકોર્ડ વધારાથી બજારમાં લિક્વિડિટી વધી છે, જ્યારે ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી ભવિષ્યમાં મોંઘવારી અને બાહ્ય સંતુલન અંગેની ચિંતા હળવી થઈ છે. કોપર અને એલ્યુમિનિયમના ભાવ ઘટતા માર્જિન સુધરવાની આશાએ ઓટો શેરો ચમક્યા હતા, તો બેંકિંગ સૂચકાંકો પણ વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતાઓને કારણે આઈટી શેરો પર દબાણ રહ્યું હતું, જ્યારે રોકાણકારોનો ઝુકાવ સ્થાનિક માંગ આધારિત ક્ષેત્રો તરફ જોવા મળ્યો હતો.








