Homeગુજરાતીદેશ-વિદેશઉદયપુરમાં હવાલાની આશંકાએ મોટી કાર્યવાહી: મહેસાણાના 3 યુવક પાસેથી રૂ. 80 લાખ...

ઉદયપુરમાં હવાલાની આશંકાએ મોટી કાર્યવાહી: મહેસાણાના 3 યુવક પાસેથી રૂ. 80 લાખ રોકડા ઝડપાયા

જયપુર, 19 નવેમ્બર 2026: રાજસ્થાનના ઉદયપુર શહેરમાં હવાલા નેટવર્ક મારફતે નાણાની હેરાફેરી થઈ રહી હોવાની શંકા વચ્ચે પોલીસે સફળ કાર્યવાહી કરી છે. સૂરજપોલ પોલીસ સ્ટેશનની ટીમે ગુજરાતના મહેસાણા જિલ્લાના ત્રણ યુવકોને 80 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લીધા છે. આરોપીઓ 500 રૂપિયાના દરની ચલણી નોટોના બંડલ બનિયાન અને બેગમાં સંતાડીને લઈ જઈ રહ્યા હતા. તપાસ દરમિયાન કુલ 16 હજાર નોટો મળી આવી હતી, પરંતુ આટલી મોટી રકમ અંગે યુવકો કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.

પોલીસ સ્ટેશનના અધિકારી કમલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનના હોકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શિવલાલને બાતમી મળી હતી કે વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ શખ્સો ફરી રહ્યા છે. તેમની પાસે હથિયાર હોવાની અથવા કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવાની આશંકા સેવાઈ રહી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વર્ણન મુજબ ત્રણેય યુવકોને અટકાવ્યા હતા. પૂછપરછ દરમિયાન યુવકો ગભરાઈ ગયા હતા અને હથિયાર હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તલાશી લેતા મોટી રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, હાર્દિક કુમાર પ્રજાપતિએ પોતાના બનિયાનની અંદર ૨૦ લાખ રૂપિયા સંતાડી રાખ્યા હતા, જ્યારે તેના બેગમાંથી પણ 20 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આમ એકલા હાર્દિક પાસેથી જ કુલ 40 લાખ રૂપિયા કબજે કરાયા હતા. આ ઉપરાંત જયેશભાઈ પ્રજાપતિ અને દિનેશભાઈ પટેલ પાસેથી 20-20 લાખ રૂપિયા મળી આવતા કુલ 80 લાખ રૂપિયા જપ્ત કરાયા છે. ઝડપાયેલી રકમમાં 500 ના દરની કુલ 16 હજાર નોટોનો સમાવેશ થાય છે.

ત્રણેય આરોપીઓ આ રોકડ અંગે સંતોષકારક જવાબ કે કાગળિયા રજૂ ન કરી શકતા પોલીસે રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આ 80 લાખ રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ઉદયપુરમાં કોને અથવા કયા સ્થળે ડિલિવરી કરવાની હતી તે દિશામાં તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર મામલે હવાલા કૌભાંડ સાથે જોડાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img