નવી દિલ્હી, 24 નવેમ્બર 2026: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના એક અત્યંત મહત્વના પડાવની નજીક પહોંચી ગઈ છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના સુરત-બિલીમોરા સેક્શન પર મે 2027 થી ટ્રાયલ રન શરૂ થાય તેવી અપેક્ષા છે. લગભગ 50 કિલોમીટર લાંબો આ સેક્શન દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો એવો પ્રથમ ભાગ હશે, જ્યાં બુલેટ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ભારતમાં હાઈ-સ્પીડ રેલ સેવા શરૂ કરવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, સુરત-બિલીમોરા સેક્શન પર સિગ્નલિંગની કામગીરી આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જ્યારે વિદ્યુતીકરણનું કાર્ય અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 20 નવેમ્બરના રોજ આ સેક્શનની અપ અને ડાઉન એમ બંને એલિવેટેડ લાઈનો પર ઓવરહેડ ઉપકરણોને સફળતાપૂર્વક ચાર્જ કરવામાં આવ્યા હતા. વૈષ્ણવે માહિતી આપી હતી કે સમગ્ર કોરિડોરમાં 2×25 KV ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બિલીમોરા ટ્રેક્શન સબ-સ્ટેશન પર સ્થાપનાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે.
તબક્કાવાર શરૂ થશે બુલેટ ટ્રેન સેવા
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને તબક્કાવાર શરૂ કરવામાં આવશે. અમદાવાદ-વાપી સેક્શનને 2027 ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જ્યારે 2029 સુધીમાં બુલેટ ટ્રેન સેવાઓને થાણે સુધી વિસ્તૃત કરવાની યોજના છે. શરૂઆતના ટ્રાયલ ‘B-28’ ટ્રેનસેટ સાથે કરવામાં આવશે, જેને 280 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. રેલ મંત્રીએ કહ્યું કે 240 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપ ધરાવતી રેલ સેવાઓ હાઈ-સ્પીડ રેલ શ્રેણીમાં આવે છે અને તેના સંચાલન માટે ખાસ એન્જિનિયરિંગ તથા નિર્માણ માપદંડોની જરૂર પડે છે.
રેલ મંત્રીએ જણાવ્યું કે આટલી વધુ ઝડપે દોડતી ટ્રેનોને કારણે ઉત્પન્ન થતું વાયુદાબ સૌથી મોટા ટેકનિકલ પડકારો પૈકીનું એક છે. આથી ટ્રેન અને તેની સાથે જોડાયેલા માળખાને અત્યંત દબાણ સહન કરવા સક્ષમ બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે B-28 ટ્રેને સફળતાપૂર્વક ‘સ્ક્વીઝ ટેસ્ટ’ પાસ કરી લીધો છે. આ પરીક્ષણ દરમિયાન ટ્રેન પર સામાન્ય સંચાલન સમયે સર્જાતા વાયુદાબ કરતા લગભગ બમણું દબાણ નાખવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં સફળતા મળવાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળી છે કે ટ્રેન અતિઝડપી પરિસ્થિતિઓમાં સુરક્ષિત રીતે સંચાલિત થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં અંડરસી ટનલનું કામ તેજ ગતિએ ચાલુ
વૈષ્ણવે માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના ભાગમાં નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં સમુદ્રની નીચે બનનારી સુરંગ (અંડરસી ટનલ) નો પણ સમાવેશ થાય છે. આ પરિયોજના હેઠળ અત્યાધુનિક ટેકનોલોજી અને વિશેષ એન્જિનિયરિંગ ધોરણો દ્વારા હાઈ-સ્પીડ રેલ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વૈષ્ણવે કહ્યું હતું કે 508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હવે આયોજન તબક્કાથી આગળ વધી ચૂક્યો છે અને જમીની સ્તરે ઝડપથી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. સરકારનો લક્ષ્યાંક 2027 ના અંતિમ ક્વાર્ટરમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાનો છે. આ પરિયોજના પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય બે કલાકથી પણ ઓછો થઈ જશે, જેનાથી દેશના બે મુખ્ય આર્થિક કેન્દ્રો વચ્ચે કનેક્ટિવિટી અને વેપાર-ધંધાને નવી ગતિ મળવાની આશા છે.








