ગુવાહાટી, 27 નવેમ્બર 2026: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે રાજ્યમાંથી બાલવિવાહની સામાજિક કુરિવાજને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2021થી આ કુરિવાજ વિરુદ્ધ રાજ્યમાં સતત ચાલી રહેલી કડક કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં કુલ 6,705 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ‘બાલવિવાહ, અલ્પવયમાં લગ્ન અને બળજબરીપૂર્વકના લગ્ન નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ના પ્રથમ આયોજન પ્રસંગે મુખ્યમંત્રી સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’પર પોસ્ટ કરીને જણાવ્યું કે આસામે બાલવિવાહ સામે એક સતત અને નિર્ણાયક ઝુંબેશ ચલાવી છે, જે અંતર્ગત હજારો ધરપકડો કરવામાં આવી છે અને દોષિતો વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, “આસામ માટે આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. વર્ષ 2021થી અમે બાલવિવાહ સામે સતત લડાઈ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 6,000થી વધુ ધરપકડો થઈ છે અને દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે, જે આજે પણ અવિરત ચાલુ છે.” વર્ષવાર ધરપકડોની વિગતો દર્શાવતું ઇન્ફોગ્રાફિક શેર કરતાં મુખ્યમંત્રીએ છેલ્લા છ વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી કડક કાર્યવાહીની તસવીર રજૂ કરી હતી. જાહેર કરાયેલા આંકડા મુજબ, 2021માં 132 ધરપકડ, 2022માં 278 ધરપકડ થઈ હતી, જ્યારે 2023માં આ આંકડો ઝડપથી વધીને 4,853 પર પહોંચ્યો હતો. ત્યારબાદ 2024માં 623 અને 2025માં 173 ધરપકડો નોંધાઈ હતી.
-
કોઈ પણ બાળકે બળજબરીપૂર્વકના લગ્નને કારણે પોતાનું બાળપણ ગુમાવવું ન જોઈએઃ હિમંતા
ચાલુ વર્ષે ઓક્ટોબર સુધીમાં તંત્ર દ્વારા 646 ધરપકડો કરવામાં આવતા ઇન્ફોગ્રાફિક મુજબ કુલ ધરપકડોની સંખ્યા 6,705 થઈ છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો સંકલ્પ અડગ છે અને કિશોરીઓ તેમજ દીકરીઓની ગરિમા, અધિકારો અને ભવિષ્યનું રક્ષણ કરવું સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ બાળકે બળજબરીપૂર્વકના લગ્નને કારણે પોતાનું બાળપણ ગુમાવવું ન જોઈએ. આસામમાં કોઈ પણ દીકરીને પોતાના ભવિષ્ય સાથે સમાધાન કરવું નહીં પડે, તે મારો વાયદો છે.”
ઉલ્લેખનીય છે કે આસામમાં બાલવિવાહ વિરુદ્ધની કાર્યવાહીએ ફેબ્રુઆરી 2023માં વેગ પકડ્યો હતો, જ્યારે પોલીસે અલ્પવયમાં લગ્ન કરાવવામાં સંડોવાયેલા લોકો સામે રાજ્યવ્યાપી મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ ઝુંબેશ હેઠળ ‘બાલવિવાહ પ્રતિબંધ અધિનિયમ’ સહિતના પ્રવર્તમાન કાયદાઓ મુજબ લગ્ન કરાવનાર દોષિતો તેમજ તેમાં મદદગારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 સપ્ટેમ્બર 2026ના રોજ ઠરાવ પસાર કરીને 27 નવેમ્બરને ‘બાલવિવાહ, અલ્પવયમાં લગ્ન અને બળજબરીપૂર્વકના લગ્ન નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. શુક્રવારે વિશ્વભરમાં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.








