નવી દિલ્હી, 28 નવેમ્બર 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારત પોતાના સશસ્ત્ર દળોને મજબૂત કરવા અને દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા પર પણ વિશેષ ભાર મૂકી રહ્યો છે.
કેરળના કન્નુર સ્થિત ભારતીય નૌકાદળ અકાદમી (Indian Naval Academy) ખાતે ‘ઓટમ ટર્મ 2026’ (Autumn Term 2026) ની પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે હાલમાં મોટી સંખ્યામાં યુદ્ધજહાજો અને સબમરીનોની ડિઝાઈન અને નિર્માણ કાર્ય ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે. આ બાબત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના રાષ્ટ્રના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તે સાથે જ, આ દેશના એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, કુશળ કામદારો અને ઉદ્યોગોની ક્ષમતાઓ પરના દેશના વિશ્વાસને પણ રેખાંકિત કરે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતીય નૌકાદળમાં એક અધિકારી તરીકે, આ કેડેટ એક સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની યાત્રાનો હિસ્સો બનશે.
આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ કેડેટ્સ પાસેથી સલામી ઝીલી અને તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તાલીમાર્થી અધિકારીઓને મેડલ એનાયત કર્યા. આજની પાસિંગ-આઉટ પરેડમાં કુલ ૪૨૭ કેડેટ્સ સામેલ થયા હતા, જેમાં 69 મહિલા કેડેટ્સ અને વિદેશના 18 કેડેટ્સનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વિશ્વમાં ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે, અને નવી ટેકનોલોજી યુદ્ધની પદ્ધતિઓ તેમજ દરિયાઈ સુરક્ષાના સ્વરૂપ બંનેમાં પરિવર્તન લાવી રહી છે. તેમણે નોંધ્યું કે કેડેટ્સને આપવામાં આવતી તાલીમ, બદલાતી પરિસ્થિતિઓ અનુસાર ઢળવાની તેમની ક્ષમતા અને ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા તેમને આ પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે.
રાષ્ટ્રપતિએ તાલીમ પૂર્ણ કરનારા કેડેટ્સમાં મોટી સંખ્યામાં યુવતીઓની હાજરી જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની બાબત છે. આ મહિલા કેડેટ્સે સાબિત કરી દીધું છે કે દ્રઢ નિશ્ચય, સાહસ અને યોગ્યતા કોઈ સીમાઓને જાણતા નથી. રાષ્ટ્રપતિએ મિત્ર વિદેશી રાષ્ટ્રોના કેડેટ્સને પણ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેરળના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર, નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સમીર સક્સેના અને ઇન્ડિયન નેવલ એકેડેમીના કમાન્ડન્ટ વાઇસ એડમિરલ આલોક આનંદ પણ ઉપસ્થિત હતા.
વધુ વાંચો: વેપારને નવી દિશા આપવા સરકારની પહેલ! જયપુર અને દેહરાદૂનમાં FTA અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા








