- ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ- RIL ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ઓનલાઇન સંવાદ
- આગામી 2 દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક હશે: મુકેશ અંબાણી
- વિશ્વની કંપનીઓ પાસે ભારતના પરિવર્તનનો હિસ્સો બનવાની સોનેરી તક છે: મુકેશ અંબાણી
નવી દિલ્હી: ફેસબૂકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ઓનલાઇન સંવાદ થયો હતો.
ઓનલાઇન સંવાદ દરમિયાન મુકેશ અંબાણીએ આગાહી કરી હતી કે, આગામી 2 દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક હશે. ભારતમાં જેટલા પરિવારો છે તેમાંથી 50 ટકા મધ્યમવર્ગીય છે અને તેમાં દર વર્ષે3 થી 4 ટકાનો વધારો થઇ રહ્યો છે. મને વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતનું અર્થતંત્ર વિશ્વની ટોચના ત્રણ અર્થતંત્ર પૈકીનું એક હશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભવિષ્યમાં દેશ એક મોટી ડિજીટલ સોસાયટીમાં ફેરવાશે અને તેને યુવાઓ ચલાવશે. અમારી પ્રતિ વ્યક્તિ આવક 1800-2000 ડોલરથી વધીને 5000 ડોલર થઇ જશે. ફેસબૂક અને વિશ્વની બીજી મોટી કંપનીઓ પાસે ભારતમાં વ્યાપાર કરવા માટે અને ભારતમાં આવી રહેલા પરિવર્તનનો હિસ્સો બનવા માટે સોનેરી તકો ઉભી થઇ છે.
મહત્વનું છે કે, ફેસબૂકે રિલાયન્સ જીઓ પ્લેટફોર્મમાં 43000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેના બદલામાં ફેસબૂકને રિલાયન્સમાં 9.99 ટકાની હિસ્સેદારી મળી છે.
(સંકેત)