Site icon Revoi.in

વડોદરાના શિનોર તાલુકાના સુરા શામળા ગામે 15 ફુટના મગરને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લાના તળાવોમાં મગરોનો વસવાટ વધી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં મગરો તળાવો કે કોતરોમાંથી નીકળીને બહાર આવતા હોય છે. ત્યારે જિલ્લાના  શિનોર તાલુકાના સુરાશામળ ગામની પાછળ રહેણાંક વિસ્તારમાં કોતરમાંથી ધસી આવેલા 15 ફૂટ જેટલી લંબાઇના મહાકાય મગરનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. ભારે વજન અને મોટી લંબાઇ ધરાવતા મગરના રેસ્ક્યૂ માટે કાર્યકરો સહિત 10 ઉપરાંત લોકોએ જહેમત ઉઠાવી હતી. આ માટે ટીમને ટ્રેક્ટરની પણ મદદ લેવાની ફરજ પડી હતી.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના  શિનોર તાલુકાના સુરાશામળ ગામથી માંડવા તરફ જવાના માર્ગ પર આવેલા વસાવા ફળીયા નજીક કોતરમાંથી મહાકાય મગર આવ્યો હતો.  આ કોતરમાંથી ગટરનુ પાણી જાય છે. આ કોતરમાં મહાકાય મગર દેખાતા ત્યાં રેહતા લોકોમાં ગભરાટ ફેલાયો ગયો હતો.રહેણાંક વિસ્તાર નજીક ધસી આવેલા મગરને જોઇ ફફડી ઉઠેલા ગામના લોકો દ્વારા તુરતજ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટની ટીમના ભરતભાઇ મોરેને જાણ કરી હતી. દરમિયાન તેઓ તેમજ તેમની ટીમના સંજય ખત્રી અને ઋતિકને સાથે લઇ દોડી આવ્યા હતા. ગામમાં મહાકાય મગર નીકળ્યો હોવાની વાત ફેલાતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ટીમે 15 ફૂટ લાંબો મહાકાય મગર હોય સાવચેતી પૂર્વક અને સ્થાનિક યુવાનોની મદદથી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કર્યો હતો. મહાકાય મગરને પાંજરા સુધી લાવવા અને લઇ જવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ મહાકાય મગર પિંજરામાં પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાઈલ્ડ લાઈફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવેલા મહાકાય મગરને શિનોર વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.