Site icon Revoi.in

આમોદ તાલુકામાં 10 કરોડના ખર્ચે નેશનલ હાઈવે-64 પર બનેલો 3 કિમીનો રોડ ધોવાઈ ગયો

Social Share

ભરૂચઃ  જિલ્લાના આમોદ તાલુકાના નેશનલ હાઈવે પરનો ત્રણ કિમીનો રોડ એક વર્ષ અગાઉ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. આ માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈને રોડ ઉપરના ડામર અને કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ જતા રોડની નબળી કામગીરી સામે સવાલો ઊઠ્યો છે.  હાલ ચોમાસામાં માર્ગ ઉપર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ભરૂચના આમોદ તાલુકાના નેશનલ હાઈવે 64 નો માર્ગ રૂ.10 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. એક વર્ષમાં જ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણ માર્ગ ધોવાઈ જવાના કારણે રોડનો ડામર કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ જવાના કારણે માર્ગ બિસ્માર બની મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આમોદ ને.હા. નં.64 નો 3 કિ.મી સુધીનો માર્ગ અત્યત બિસ્માર બન્યો છે. આ માર્ગ રૂ.10 કરોડના ખર્ચે બન્યો હોવા છતાં કોન્ટ્રાકટરની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે, જ્યારે વરસાદી પાણીથી કરાડો રૂપિયાના ખર્ચે બનાવેલો માર્ગ ધોવાઈ જતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. માર્ગ મકાન વિભાગે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગની ગુણવત્તા અને મટીરિયલની તપાસ થઈ છે કે નહીં તેવા અનેક સવાલો વાહન ચાલકો સહિત સ્થાનિકો કરી રહ્યા છે.