સુરત, 26 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે સેલવાસથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જાન વડોદરા પરત ફરી રહી હતી ત્યારે સુરત નજીક કિમ પાસે જાનની લકઝરી બસને અકસ્માત નડ્યો હતો.જાનૈયાઓ ભરેલી લકઝરી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બસમાં સવાર આશરે 30થી 35 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાનું કહેવાય છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરાથી એક પરિવાર અને સંબંધીઓ ખાનગી બસ ભાડે કરીને સેલવાસ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પતાવીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા, ત્યારે સુરત નજીકના કિમ ગામ પાસે હાઈવે પર બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે જાનૈયાઓએ બુમાબૂમ કરી હતી.
લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા જાનૈયાઓના કહેવા મુજબ અકસ્માત રાત્રે આશરે 12:30થી 1:00 વાગ્યાની વચ્ચે થયો હતો. જાન સેલવાસથી લગ્ન પતાવીને બરોડા પરત ફરી રહી હતી. ડ્રાઈવરે કોઈ નશો કર્યો હતો કે નહીં તે ખબર નથી. પરંતુ તેણે ટ્રકની પાછળ બસ ઘુસાડી દીધી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મોટાભાગના જાનૈયાઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ડ્રાઈવરની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

