1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ
શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

0
Social Share

એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમા ગુરુદેવ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં તા. 7 ડિસેમ્બર, 1921ના રોજ ગુજરાતમાં વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળવયનું નામ હતું – શાંતિલાલ. અને સાચે જ, શાંતિ એમના વ્યક્તિત્વનો પરિચય હતો.

બાલ્યકાળથી જ હિમાલયમાં જઈને આધ્યાત્મિક સાધના કરવાની તેમને લગની હતી. કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈને સન 1940માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા.

સન 1971માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરુપદે બિરાજમાન થયા ત્યારથી અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા અને અસંખ્યના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચી. ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ – આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા. લોકસેવા માટે જીવનભર પરિવ્રાજક રહીને તેઓ અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં.

ભેદભાવોથી પર આ વાત્સલ્યમૂર્તિ સંતે બાળકો-યુવાનો અને વૃદ્ધો, સાક્ષરો અને નિરક્ષરો, દલિતો-આદિવાસીઓ કે દેશ-વિદેશના ધુરંધરો સૌ કોઈને સમતાથી ચાહ્યા છે. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સંસ્થા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર સ્વામીશ્રીએ, કઠિન પુરુષાર્થ અને નિઃસ્વાર્થ પ્રેમ દ્વારા એક વિરાટ ચારિત્ર્યવાન યુવાસમાજ તૈયાર કર્યો છે અને તેને રચનાત્મક માર્ગે વાળ્યો છે. સ્વામીશ્રીની વિનમ્ર અને પરગજુ પ્રતિભાથી પ્રભાવિત થઈને વિશ્વના અનેક ધર્મગુરુઓ અને આંતરરાષ્ટ્રીય ધુરંધરોએ તેમને એક મહાન સંતવિભૂતિ તરીકે હૃદયથી બિરદાવ્યા છે. અનેક મુમુક્ષુઓએ તેમના સાંનિધ્યમાં પરમાત્માની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ આધ્યાત્મિક શિખર પ્રાપ્ત કર્યું છે અને અનેક કરી રહ્યા છે.

(એચ.એચ પ્રમુખ સ્વામી મહારાજ, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code