સુરેન્દ્રનગર, 29 જાન્યુઆરી 2026: જિલ્લાના ખનીજ ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખનીજચોરી સામે રેડ પાડીને માલ-સામન સીઝ કરવામાં આવે છે. ત્યારબાદ ખનીજચોરોને આકરી પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે. જિલ્લાના સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટાકારી પુરાવા સાથે હાજર રહેવા આદેશ કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપર ગામે સર્વે નંબર-૫૨ પર મોટા પાયે ચાલી રહેલા બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખોદકામ પર ગત 13 જાન્યુઆરીએ મામલતદારે આકસ્મિક દરોડો પાડયો હતો. આ કામગીરીમાં બે મશીનો ઝડપાયા બાદ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી. તપાસના અંતે વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન બદલ કુલ 2.87.50.535નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કૌભાંડમાં સંડોવાયેલા જમીન માલિકો, મશીન માલિકો તથા સંગ્રામભાઈ જોગરાણાને લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. તમામ જવાબદારોને આગામી 4 ફેબ્આરીના રોજ જરૂરી આધાર-પુરાવા સાથે સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરી ખાતે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રેડ સાયલા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા બજાવવામાં આવેલી નોટિસમાં સંયુક્ત કામગીરી દર્શાવવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

