
લુધિયાણામાં 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલની મદદથી બનાવાયો બગીચો
દિલ્હીઃ ભારતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર અને વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. દરમિયાન લુધિયાણામાં પ્રદૂષણને ઘટાડવા માટે 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ઊભો બગીચો બનાવવામાં આવ્યો છે. ગ્રીન મેન તરીકે ઓળખાતા આવકવેરા વિભાગના અધિકારી રોહિત મહેરાએ લોકોની મદદથી આ બગીચો તૈયાર કર્યો છે.
લુધિયાણામાં નકામી પ્લાસ્ટિકની બોટલનો કુંડા તરીકે ઉપયોગ કરીને જાહેર સ્થળોએ ઊભા બગીચા તૈયાર કરવામાં આવ્યાં છે. આવકવેરા વિભાગના અધિકારી રોહિત મહેરાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં પ્રદૂષણની માત્રા વધતાં દીકરાની સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી હતી. એ સમયે આપણાં બાળકોને સ્વચ્છ હવા પૂરી પાડવા શું કરી શકાય એ વિશે વિચારતાં મને પ્લાસ્ટિકની બૉટલનો બગીચો તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો.
આવકવેરા વિભાગના અધિકારીએ અત્યાર સુધીમાં સ્કૂલ-કોલેજ, ધાર્મિક સ્થળો, પોલીસ સ્ટેશન, સરકારી ઓફિસ અને રેલવે સ્ટેશનો ઉપર ઊભા બગીચા બનાવ્યાં છે. પર્યાવરણનું રક્ષણ કરતા આ બગીચામાં ડ્રીપ ઇરિગેશનને કારણે પાણીની 92 ટકા બચત થાય છે.