
સુરતઃ શહેરમાં બીએરટીએસ દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના ટ્રાફિકથી ભરચક માર્ગેના કોરિડોરમાં પણ ઝડપથી બસ ચલાવાતી હોવાથી અને બસચાલકની ગફલતને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ગોડાદરા વિસ્તારમાં સનરાઈઝ સ્કૂલ પાસે બન્યો હતો. જેમાં 19 વર્ષીય પૂજા યાદવ નામની યુવતી રોડ ક્રોસ કરતી હતી. ત્યારે બીઆરટીએસ બસે અફેટમાં લેતા તેનું મોત નિપજ્યું હતુ.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, ગોડાદરામાં ઘર પાસે આવેલા સિલાઈ ક્લાસથી ઘરે પરત જતી 19 વર્ષિય યુવતીને BRTS બસના ડ્રાઈવરે અડફેટે લેતાં યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. યુવતી BRTS રોડ ક્રોસિંગ કરતી હતી. અચાનક જ બેફામ રીતે આવી રહેલ બસની અડફેટે મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ પોલીસે બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની વિક્રમ યાદવ હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલા ડી.કે નગરમાં પત્ની તેમજ ત્રણ સંતાન સાથે રહે છે. વિક્રમ બોરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિક્રમના સંતાન પૈકી 19 વર્ષીય પુજા યાદવ ઘરની પાસે જ સિલાઈ ક્લાસમાં સિલાઈ કામ શીખવા જતી હતી. પુજા રાબેતા મુજબ સિલાઈ ક્લાસ પરથી ચાલતાં ચાલતાં ઘરે પરત આવી રહી હતી. ગોડાદરા વિસ્તારમાં જ આવેલ સનરાઇઝ સ્કૂલ પાસેથી પુજા રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતી BRTS બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવીને પુજાને અડફેટે લીધી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પૂજા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ પૂજાને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.બીજી બાજુ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.ઘટનાને લઈ ગોડાદરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી હતી.