
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય
- રક્ષામંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક
- 12 માં ધો.ની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય
- અધિકારીઓ અને મંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક
- કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા છે સ્થગિત
દિલ્લી: કોરોનાના વધતા જતા કેસોને કારણે હજુ 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા સ્થગિત છે.એવામાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને અસમંજસ છે. આ સંદર્ભમાં શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ઘણા કેન્દ્રીય મંત્રી રવિવારે એટલે કે આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક આજે સવારે 11.૩૦ વાગ્યે યોજાશે. આ બેઠકમાં નિશંક સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ સામેલ થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખારીયાલે શનિવારે ટ્વિટ કરીને આ બેઠક વિશે માહિતી આપી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, રાજ્ય બોર્ડના પ્રમુખ અને સંબધિત અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.
કોરોના વાયરસને કારણે દેશમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોરોના વાયરસની બીજી લહેર આવ્યા બાદથી જ બોર્ડની પરીક્ષાઓ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. આ અંતર્ગત સીબીએસઇ બોર્ડે 10 માં ધોરણની પરીક્ષાને રદ કરવાનો અને ઇન્ટરનલ અસસમેંટના આધાર પર પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સ્થગિત થયેલ 12 માં ધોરણની પરીક્ષાને લઈને હવે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.