જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દૌસા-મનોહરપુર હાઇવે પર બાસડી ક્રોસિંગ પાસે બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિક-અપ ટ્રક અન્ય વાહન સાથે અથડાઈ હતી.
મૃતકોમાં મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી હતા. તેઓ સીકર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
દૌસા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 લોકોને તાત્કાલિક સારવાર માટે જયપુરની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 ઘાયલોને દૌસાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.