
અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં,
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર મેગા ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. વર્ષ 2023ના પ્રથમ દિવસ અને આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શો જોવા ઉમટી પડ્યા હતા.
અમદાવાદના શહેરીજનો વર્ષ 2023ના નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાથી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા ઉમટી પડ્યા હતા. કોરોના કાળના 2 વર્ષ બાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન થયુ હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ જોવા મળ્યા હતા. આ વર્ષે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આ વખતે ફ્લાવર શોમાં ખાસ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. સરકારે કોરોનાને અટકાવવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અફીલ કર્યા બાદ ફ્લાવર શોમાં કોરોનાના કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાવર શો જોવા માટે માસ્ક ફરજિયાત છે.આ વખતે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ઓલમ્પિક, ધન્વંતરિ, યોગા, એનીમલ થીમ, આઝાદીના અમૃત મહોત્સવ, અર્બન 20 અને G20 સહિતની થીમ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લાવર શો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે.