Site icon Revoi.in

ઊના તાલકાના આમોદ્રા ગામે ઘરમાં ઘૂંસીને દીપડાએ ખેડૂત દંપત્તી પર કર્યો હુમલો

Social Share

ઊનાઃ ગીર સોમનાથના ઊના તાલુકાના આમોદ્રા ગામમાં દીપડો એક ખેડૂતના ઘરમાં ઘૂંસી જતા અફડા-તફડી મચી ગઈ હતી. વહેલી સવારે મહિલાએ પોતાના ઘરનો દરવાજો ખોલતા જ ઘરમાં ઘૂંસીને દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાએ બુમાબુમ કરતા તેનો પતિ દોડી આવ્યો હતો. દરમિયાન દીપડાએ મહિલાના પતિને લોહી-લૂહાણ કરીને ઘરના રસોડામાં ભરાય ગયો હતો. આ બનાવની જાણ કરાતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે,  ઊના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરનો ગેટ ખોલ્યો, ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો. જો કે, દક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા હતા અને બૂમાબૂમ કરતા તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઇને દોડી આવ્યા હતો. તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો. જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો. રમેશભાઇ તેની પાછળ પાછળ જતાં દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘુસી ગયો. હતો, આથી રમેશભાઇએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતાં રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઇ પર હુમલો કર્યો હતો. જો કે, આ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.  દીપડાના હુમલામાં ઘવાયેલા રમેશભાઈના પત્ની દક્ષાબેને જણાવ્યું હતું કે, હું સવારના લગભગ સવા પાંચ વાગે બાથરૂમ જઇને ડેલા પાસેથી આવી રહી હતી ત્યારે, મેં ફળિયામાં દીપડાને જોયો હતો. હું તેને જોઇને ભાગી પણ, દીપડો મારી પાછળ પડ્યો અને છેક ઓસરી સુધી આવી ગયો હતો. જે બાદ મેં બૂમાબૂમ કરતાં બધા મારો અવાજ સાંભળીને બહાર આવી ગયા હતો. મારા પતિ મને બચાવવા જતાં દીપડાએ કાચની બારીમાંથી રસોડામાં ઘુસી તેમના પર હુમલો કરી દીધો હતો. બધા પુરુષોએ ભેગા થઇ દીપડાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો,  દીપડો રસોડાના ખૂણા પાસેની જગ્યા બદલી ફ્રીઝ તરફ જતા દીપડાને બેભાન કરવામાં આવ્યો હતો  રસોડાનો દરવાજો બંધ કરી વનવિભાગની ટીમે બંધ બારણે દીપડાને બેભાન કરવા પરસેવો પાડ્યો હતો. અનેક લોકો ઉમટી પડ્યા હતા. અંતે વન વિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પુર્યો હતો.

Exit mobile version