
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર
દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ નજીક જ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ કટ્ટરપંથી ધર્મગુરૂઓએ સરકારને ચેતવણી આપી હતી કે, ઈસ્લામાબાદમાં મંદિર બનાવવામાં મંજૂરી ન આપવામાં આવે. સીડીએ દ્વારા જુલાઈમાં મંદિરના નિર્માણની કામગીરી અટકાવવામાં આવી હતી. સરકારને ધાર્મિક મુદ્દાઓ ઉપર ભલામણ કરનારી પરિષદ દ્વારા ઓક્ટોબરમાં કહેવામાં આવ્યું હતું કે, ઈસ્લામાબાદ અને દેશના કોઈ પણ અન્ય સ્થળ પર મંદિર નિર્માણ પર સંવિધાનીક અને શરિયા પ્રતિબંધ નહીં. હવે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં 20000 વર્ગ ફુટ જમીન ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંદિર માટે જમીન સંપાદિત કરી હતી. મંદિર સંકુલમાં અન્ય ધાર્મિક સ્થળ ઉપર સ્મશાનનો પણ સમાવેશ કરવામાં આવશે.