
દ.ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ઓલપાડ નજીક બ્રિજનો એક નમી પડ્યો, મોટી દૂર્ઘટના ટળી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો એક ભાગ નમી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે કોઇ સદનસીબે જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યુ નથી પરંતુ ઓવરબ્રિજ નમી પડતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. તંત્રએ બેરિકેડ મૂકીને ધસી ગયેલા ભાગને કોર્ડન કર્યો હતો.
લગભગ 50થી 60 ફૂટ જેટલો બ્રિજનો ભાગ બેસી ગયો છે. વર્ષો પહેલા આ બ્રિજ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયો હતો. માટી નાંખીને આજુબાજુ દિવાલ ચણીને આ એપ્રોચ રોડ બનાવી દેવાયો હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ બ્રિજનો કોઇ ઓલ્ટરનેટીવ ન હોવાથી બ્રિજ ચાલુ રખાયો હતો. પરંતુ હાલ તો તંત્ર દ્વારા સમારકામની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે.
સુરતના મેયરએ સ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે આવુ બન્યું હતું. તાત્કાલિક અસરથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બ્રિજના સમારકામનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. તો તંત્ર દ્વારા એમ પણ જણાવાયુ કે ઓલ્ટરનેટ રૂટ પણ બનાવવામાં આવી રહ્યો છે. અને નમી પડેલા બ્રિજનું તાત્કાલિક સમારકામ કરીને ઝડપથી ખુલ્લો મુકી દેવાશે.