Site icon Revoi.in

રાજપીપીળા-ડેડીયાપાડા હાઈવે પર બે વર્ષ પહેલા બનેલો કામચાલાઉ પુલ તૂટી ગયો

Social Share

વડોદરાઃ  રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે પર મોવીના યાલ ગામ નજીક બે વર્ષ પહેલાં બનાવેલો ડાયવર્ઝન પુલ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા 259 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.  લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ એવો આક્ષેપ કર્યો હતો કે,  30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં એક પુલ પણ બનાવી શકી નથી.

રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે પર સતત વાહનોની અવર-જવર રહેતી હોય છે. અને જિલ્લાના ડેડિયપાડા અને સાગબારા તાલુકાના 259 ગામોના લોકો માટે હાઈવે મહત્વનો છે. હાઈવે પર મોવીના યાલ ગામ નજીક બે વર્ષ પહેલાં બનાવેલો ડાયવર્ઝન પુલ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે. આથી સ્થાનિક લોકોને રાજપીપળા જિલ્લામથકે જવા માટે નેત્રંગ થઇ 30 કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો લાંબો ફેરો ટાળવા જીવના જોખમે નદીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ હાઈવે રાજપીપળા, ડેડીયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડે છે.

થોડા દિવસ પહેલાં પડેલા પ્રથમ વરસાદમાં રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે પરનો પુલ  ધોવાઇ ગયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 30 વર્ષની ભાજપ સરકારમાં પૂરતો વિકાસ થયો નથી. બે વર્ષથી એક પુલ પણ બની શક્યો નથી.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ, ભારે વરસાદને લીધે નદીમાં પૂર આવતા ડાયવર્ઝનને નુકસાન થયું છે. નવા નાળા માટે વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. ગ્રાન્ટ મોડી આવવાથી કામગીરીમાં વિલંબ થયો છે.