Site icon Revoi.in

કરજણમાં સ્કૂટરની ડિકીમાંથી 1920 ગ્રામ ગાંજો મળતા એક શખસની ધરપકડ

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ચરસ, ગાંજા અને ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. ત્યારે વડોદરા એસઓજી પોલીસે કરજણ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલો યુવક શંકાસ્પદ જણાતા તેને રોકીને તપાસ કરતા તેના સ્કૂટરની ડિકીમાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનારા આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એક શખસ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સ્કૂટર પર પસાર થઇ રહ્યો હતો, તેને ઉભો રાખી સ્કૂટરની ડિકીમાં તપાસ કરતાં તેમાંથી 1.920 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી શકીલ ઇકબાલભાઇ મલેક (રહે. બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરા)ની ધરકપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટિવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો અને બેગ મળી રૂપિયા 50,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીને ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે એસ.ઓ.જી.એ કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની વધુ તપાસ શિનોર પોલીસ મથકના પીઆઇને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.