Site icon Revoi.in

નડિયાદ-આણંદ રોડ પર લકઝરી બસમાં ભીષણ આગ ફાટી નિકળી, પ્રવાસીઓનો બચાવ

Social Share

અમદાવાદઃ  નડિયાદ-આણંદ હાઈવે પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પાસે ગતમોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી, જોકે લકઝરી બસના ચાલકે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી ઉતારી લેતા મોટા દૂર્ઘટના ટળી હતી. આગને લીધે લકઝરી બસ ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, નડિયાદ આણંદ હાઈવે પર ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે પાવાગઢથી બાવળા તરફ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. આગ કયા કારણસર લાગી એ બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરવામાં આવ્યો હતો, એ બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, બસમાં 20થી 25 લોકો પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા.તમામનો બચાવ થયો છે.