Site icon Revoi.in

વડોદરામાં ગોત્રી રોડ પર વાહનોને અડફેટે લેતા કારચાલકને લોકોના ટોળાંએ મારમાર્યો

Social Share

વડોદરાઃ  શહેરના ગોત્રી રોડ પર ઈએસઆઈ  હોસ્પિટલ નજીક પૂરફાટ ઝડપે આવેલી કારએ એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ કારમાં બેઠેલા કારચાલક સહિત બન્ને યુવાનોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એકઠાં થયેલા લોકોએ તેઓને પકડી પાડ્યા હતાં. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યા હતાં. કારની તપાસ કરતા અંદરથી ત્રણ બિયરની ટિન મળી આવી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, વડાદરા શહેરના ગોત્રી રોડ પર ઈએસઆઈ હોસ્પિટલ નજીક પૂરફાટ ઝડપે આવેલી અમેઝ હોન્ડા કારએ એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. જેમાં એક્ટિવા પર જઈ રહેલા યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે એક્ટિવાને પણ ભારે નુકસાન થયું છે. રિક્ષા અને ટેમ્પો ચાલક સ્થળ પરથી નીકળી ગયા હતા. કારચાલક કોઈની સાથે વાત કરતો હતો, તે સમયે લોકોએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો હતો. આ સાથે કારચાલક નશામાં ધૂત હોવાનો પણ લોકોનો આક્ષેપ કર્યો છે. હાલમાં ગોત્રી પોલીસે બન્ને યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાસ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ એક્ટિવાને અડફેટે લીધા બાદ કારચાલક સહિત બન્ને સુવાનોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર લોકોએ બંનેને પકડી પડ્યા હતા. કારમાંથી બિયરના ટીન પણ મળ્યા છે. બંને પીધેલી હાલતમાં હતા. બન્ને ભાનમાં જ નહોતા. આ અકસ્માતને લીધે લોકો દોડી આવ્યા હતા. અને કારચાલકને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યા હતા.