1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે, તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વૉર્મિંગ છે, જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યુયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકશાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકશાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે. જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે.

બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code